Insect found in famous pizza brand: જામનગર શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી 'પાપા લુઈસ પિઝા' (Papa Louis Pizza) નામની રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા પિઝામાંથી જીવાત નીકળ્યાનો ગ્રાહક શિવરાજસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાને લઈને ગ્રાહક અને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તપાસના અંતે ફૂડ શાખાએ પિઝામાં જીવાત હોવાના પુરાવા ન મળ્યા હોવાનું જણાવ્યું છે, તેમ છતાં અન્ય જરૂરી કમ્પ્લાયન્સ પૂર્ણ ન હોવા બદલ રેસ્ટોરન્ટને રૂ. 3000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાત્રે 11 વાર ફોન છતાં ન મળ્યો પ્રતિસાદ, 112 પર કરી મદદની માંગ
મળતી માહિતી મુજબ, ગ્રીન સિટી સ્થિત 'પાપા લુઈસ પિઝા'માંથી પીરસાયેલા પિઝામાં જીવાત હોવાનું ધ્યાને આવતા ગ્રાહક શિવરાજસિંહ સોલંકીએ રાત્રિના સમયે જ ફૂડ વિભાગમાં ફરિયાદ કરવા માટે પ્રયાસ કર્યો હતો. તેમણે ફૂડ શાખાને 11 વખત ફોન કર્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. રાત્રિના સમયે ફૂડ વિભાગનો સંપર્ક ન થતાં તેમણે 112 હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસની મદદ લીધી હતી.
ગ્રાહકના ગંભીર આરોપ
ફરિયાદી શિવરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે, "ગઈકાલે રાત્રે 8 વાગ્યે અમે 3 લોકો જમવા ગયા હતા અને અનલિમિટેડ પિઝાનો ઓર્ડર કર્યો હતો. આ વખતે સૌથી પહેલાં પિઝામાંથી વાળ નીકળ્યો હતો. ત્યારે અમે સ્ટાફમાં ફરિયાદ કરી તો તેમણે સ્વીકાર ન કર્યું અને કહ્યું કે, ઉપરથી ઉડીને પડ્યો હશે. ત્યારે અમે જતું કર્યું પરંતુ, બાદમાં પિઝામાંથી જીવડું નીકળ્યું. આ વાતની જ્યારે અમે ફરિયાદ કરી તો તેમણે કીધું કે, આ જીવડું નથી. ત્યારે અમારે એ બાબતે બોલાચાલી થઈ અને અમારૂ ન માનતા અને ફૂડ શાખામાં રાત્રે જ 11 ફોન કર્યા. બાદમાં સવારે પણ 3 ફોન કર્યા એકેયનો અમને જવાબ ન મળ્યા. આખરે કંટાળીને અમે ફૂડ શાખાની ઓફિસે પહોંચીને ફરિયાદ કરી તો એ લોકોએ એવું કીધું કે, સર હજુ આવ્યા નથી..."
ફૂડ વિભાગે 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો
મામલો આગળ વધતા ફૂડ વિભાગના અધિકારીઓએ આશરે 15 કલાક બાદ સંબંધિત રેસ્ટોરન્ટમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન ફૂડ વિભાગને પિઝામાં જીવાત હોવાની વાત સાબિત થાય તેવા કોઈ પુરાવા મળ્યા નહોતા. તેમ છતાં, જરૂરી કમ્પ્લાયન્સ પૂર્ણ ન હોવાને કારણે રેસ્ટોરન્ટને રૂ. 3000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જીવાત ન મળી પણ...
ફૂડ વિભાગના અધિકારી એન. પી. જસોલિયાએ આ વિશે વાત કરતા કહ્યું કે, અમને એક ફરિયાદ મળી હતી પાપા લુઇસ પિઝાની. હકીકતમાં તે કોરિયન પિઝા હતો અને કોરિયન પિઝામાં તલ અને જીરૂં શેકેલું હોય તો એ એવો જ પાર્ટિકલ હતો, કોઈ જીવાત નહતું. જોકે, તેમને પાસે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હાજર નહતું એટલે તેને લઈને દંડ ફટકારવામાં આવ્યો હતો.
મેનેજરે પેમેન્ટ ન કરવા કહ્યું, ગ્રાહકનો એક્સપાયરી ડેટનો આક્ષેપ
વિવાદ વકરતા રેસ્ટોરન્ટના સ્ટાફે ફોન પર મેનેજર સાથે ગ્રાહકની વાત કરાવી હતી, જેમાં મેનેજરે ગ્રાહકને બિલનું પેમેન્ટ નહીં કરવાની વાત કહી હતી. આ મામલે પ્રતિક્રિયા આપતા ગ્રાહકે આક્ષેપ કર્યો હતો કે જીવાત તેમજ એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી પીરસીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.








