Pavagadh Mahakali Temple Gujarat World Record: પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તિ, સંકલ્પ અને એકતાનો અનોખો દાખલો સર્જાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશાળ મહાયજ્ઞમાં માત્ર 76 દિવસમાં 24 કરોડ નવાર્ણ મંત્રના જાપને સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. આ સિદ્ધિ ધાર્મિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે.
મહાયજ્ઞનો પ્રારંભ ક્યારે થયો હતો?
આ મહાયજ્ઞનો પ્રારંભ 15 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ કરવા માટે મૂળ આયોજન 365 દિવસનું હતું. જોકે, ભક્તોના અદમ્ય ઉત્સાહ, અખંડ શ્રદ્ધા અને સમર્પણના કારણે આ વિશાળ કાર્ય નિર્ધારિત સમય કરતાં ઘણી વહેલી તકે પૂર્ણ થયું. યજ્ઞ દરમિયાન 24 કલાક સતત મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ ચાલી રહી હતી, જે ભક્તિભાવનું જીવંત પ્રતિક બની રહ્યું.
દેશ-વિદેશમાંથી અંદાજે 90 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો
આ આધ્યાત્મિક કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી અંદાજે 90 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ મંત્રજાપ, હવન અને પૂજા વિધિમાં જોડાઈને આ યજ્ઞને ભવ્ય અને યાદગાર બનાવ્યો છે. યજ્ઞ સ્થળ પર સતત ભક્તિમય માહોલ રહ્યો, જેમાં શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શાંતિ અને ઊર્જાનો અનુભવ કર્યો હતો. આ ભવ્ય સિદ્ધિને માન્યતા આપતાં જીનિયસ ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર રીતે આઆ કાર્યની વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધ કરવામાં આવી છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યો અને ઉપસ્થિત ભક્તોમાં આ સિદ્ધિને લઈને ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી.
યજ્ઞનો મુખ્ય હેતુ
મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ યજ્ઞનો મુખ્ય હેતુ વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો હતો. સાથે જ આ કાર્યક્રમ દ્વારા ભક્તોને આધ્યાત્મિક રીતે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ એકતા, સંકલ્પ અને શ્રદ્ધાનું જીવંત પ્રતિક બની રહી છે. પાવાગઢ મહાકાળી મંદિર ખાતે રચાયેલ આ વર્લ્ડ રેકોર્ડ ભવિષ્યમાં પણ ભક્તોને પ્રેરણા આપતો રહેશે. આ ઘટના દર્શાવે છે કે એકજૂટ થઈને કરવામાં આવેલ પ્રયત્નો અશક્ય લાગતા કાર્યોને પણ સરળ બનાવી શકે છે.








