Paresh Dhanani Patidar Sammelan Mehsana: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણા નજીક નુગર ખાતે એસ.પી.જી. દ્વારા પાટીદાર મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના અગ્રણી પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન પરેશ ધાનાણીએ કોઈનું નામ લીધા વિના રાજકીય અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “સરદારના નામ ઉપર કોઈને પણ ડસ્ટર ફેરવી ભૂંસવાનું કામ કરવા ન દેતા.” તેમના આ નિવેદન અને નીતિન પટેલને મંચ પરથી મારેલા માર્મિક ટોણાની ચર્ચા કાર્યક્રમમાં જોવા મળી હતી.
‘સરદારના નામે કોઈને ભૂંસવાનું કામ ન કરવા દેતા’
સંમેલનને સંબોધતાં પરેશ ધાનાણીએ કાઠિયાવાડી લહેકામાં કહ્યું હતું કે, “સરદાર એ આપણા સૌના સ્વાભિમાનનું પ્રતીક છે અને સરદારના નામ ઉપર કોઈને પણ ડસ્ટર ફેરવી ભૂંસવાનું કામ કરવા ન દેતા. દિલ્લીની ડેલીએ બાપનું નામ નહીં હોય તો ઠેકાણે પડી જાશું.” ધાનાણીએ કોઈ વ્યક્તિનું નામ લીધા વિના આ નિવેદન આપ્યું હતું. તેમના આ શબ્દોને રાજકીય પ્રહાર તરીકે જોવામાં આવ્યા હતા. તેમણે સરદાર પટેલને સ્વાભિમાન અને સમાજના ગૌરવનું પ્રતીક ગણાવતાં તેમના વારસા અને વિચારોને જાળવવાની વાત કરી હતી.
પાટીદાર આંદોલન યાદ કરી નીતિન પટેલને માર્યો ટોણો
પાટીદાર આંદોલનનાં સંસ્મરણો વાગોળતી વખતે પરેશ ધાનાણીએ મંચ પર હાજર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફ પણ માર્મિક ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આયાં બેઠેલા બધાએ અમને ટોપિયું પહેરાવીને તમને ટોપિયું ફેરવાવીને જાજી ભાતનું કર્યું. જૂઓને નીતિન કાકા પણ કરમાઈ ગયા છે અને અમે બધા હવે નવરા થઈ ગયા છીએ.” ત્યારબાદ ધાનાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ રાજકીય મંચ નથી, પરંતુ તેઓ સમાજના દીકરા તરીકે અને સમાજના મોભીઓની વચ્ચે વાત કરી રહ્યા છે. તેમણે નીતિન પટેલને સંબોધીને કહ્યું હતું કે તેઓ વિધાનસભા ગૃહમાં તેમની પાસેથી ઘણું શીખ્યા છે અને તેમને પોતાના ગુરુ ગણાવ્યા હતા.
‘સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે’
પરેશ ધાનાણીએ સમાજને સંબોધતાં યુવા પેઢીમાં હિંમત, આત્મનિર્ભરતા અને શિસ્તના સંસ્કાર વિકસાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરદારનો વારસો માત્ર નામ પૂરતો ન હોવો જોઈએ, પરંતુ તેમના વિચારો અને જીવનમૂલ્યોને પણ અપનાવવા જોઈએ. ધાનાણીએ સરદાર પટેલને સાદગી, સ્વાવલંબન, શિસ્ત અને શ્રમના પર્યાય ગણાવ્યા હતા. નીતિન પટેલ અંગે પણ તેમણે કહ્યું હતું કે તેઓ વિધાનસભામાં તેમની પાસેથી ઘણું શીખ્યા છે.
ઉમા-ખોડલના વારસદારોને વડવાઓના પરિશ્રમની યાદ અપાવી
ધાનાણીએ ઉમા અને ખોડલ માતાના નામ સાથે જોડાયેલા સમાજના લોકોને પોતાના પૂર્વજોના સંઘર્ષ અને પરિશ્રમને યાદ રાખવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સરદાર કોઈના મોઢામાં સમાતા નહીં અને આજ સરદારના વારસો, જય સરદારના નારા લગાડીએ અને ક્યાંક સાચું બોલવાનું આવે તો મોઢું છુપાવીએ.” નીતિન પટેલને સંબોધીને તેમણે આગળ કહ્યું હતું કે, “ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ખોડલ કૃપા, ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ઉમા કૃપા.” તેમણે સમજાવ્યું હતું કે ઘર બનાવવામાં પૂર્વજોએ કેટલો પરિશ્રમ કર્યો હશે તે વિચારવું જોઈએ અને તેમના સંઘર્ષની કદર કરવી જોઈએ.
‘મારા માટે તાળીઓ ઓછી પડી, હવે મારે શું કરવાનું?’ નીતિન પટેલ
કાર્યક્રમ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હળવા અંદાજમાં મંચ પરથી ટકોર કરી હતી. તેમણે પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બંને માટે સભામાં વધુ તાળીઓ પડી હતી. નીતિન પટેલે કહ્યું હતું, “આજે આપણા ત્યાં મહેમાન તરીકે આવેલા આપણા મિત્ર, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વર્ષો સુધી જાગૃત રહીને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપ્યું છે. એવા પરેશભાઈ ધાનાણી, ભાઈ ગોપાલભાઈ નવા-નવા ચૂંટાયા છે. તો ચારે બાજુ તમે બધા જુઓ મારા માટે તાળીઓ ઓછી પડી, પણ આ બે માટે વધારે પડી! બોલો હવે મારે શું કરવાનું?” નીતિન પટેલની આ ટિપ્પણી બાદ સભામાં હાજર લોકોએ પોતાના અંદાજે તેના અર્થ કાઢ્યા હતા.
સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાયું પાટીદાર મહાસંમેલન
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણા શહેરની નજીક નુગર પાસે આવેલા ચોર્યાસી સમાજ વિદ્યાસંકુલ ખાતે એસ.પી.જી. દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સરદાર પટેલના જીવનમૂલ્યો, પાટીદાર સમાજની ભૂમિકા અને સમાજના વારસા અંગે ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીનાં નિવેદનો અને નીતિન પટેલની હળવી ટિપ્પણીને કારણે સંમેલન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.








