Panchamrut Dairy Milk Price Hike: નવા વર્ષના પ્રારંભે જ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કર્યો છે. આ નિર્ણયથી ત્રણેય જિલ્લાના લાખો પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે.
21 નવેમ્બરથી નવા ભાવનો અમલ
પંચામૃત ડેરીના ચેરમેન અને નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોને આર્થિક લાભ આપવાના હેતુથી ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી દૂધ બિલથી એટલે કે 21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 905 ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરવામાં આવતાં દૂધ ઉત્પાદકોને હવે અગાઉની સરખામણીએ વધુ આવક મળશે.
ત્રણ જિલ્લાના લાખો પશુપાલકોને સીધો લાભ
પંચામૃત ડેરીના આ નિર્ણયનો લાભ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન સાથે સંકળાયેલા લાખો દૂધ ઉત્પાદકોને મળશે. મોંઘવારીના સમયમાં દૂધના ખરીદ ભાવમાં થયેલો આ વધારો પશુપાલકોના પરિવાર માટે આર્થિક રાહતરૂપ બની શકે છે. નવા વર્ષની શરૂઆતમાં ડેરી તરફથી મળેલી આ ભેટને લઈને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.








