Palanpur Dalwada Crime: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા દલવાડા ગામમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સગા લોહીના સંબંધો લજવાય તેવી એક વારદાત બની છે. નાનપણથી સાથે ઉછરેલા બે સગા ભાઈઓ વચ્ચે સામાન્ય વાતમાં શરૂ થયેલો વિવાદ આટલો ભયાનક વળાંક લેશે તેની ગામમાં કોઈએ કલ્પના પણ કરી ન હતી. સામાજિક કારણોસર થયેલી તકરારે ક્ષણભરમાં પરિવારની ખુશીઓ રોળી નાખી છે.
બોલાચાલી બાદ નાના ભાઈએ ગુમાવ્યો કાબૂ
મળતી વિગતો અનુસાર, દલવાડા ગામમાં રહેતા રમેશભાઈ પટેલ અને તેમના સગા નાના ભાઈ હીરા પટેલ વચ્ચે કોઈ સામાજિક બાબતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિવાદ વધતાં નાનો ભાઈ હીરા પટેલ આવેશમાં આવી ગયો હતો અને પોતાના ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠો હતો.
તીક્ષ્ણ હથિયારના ઘાથી મોટા ભાઈનું સ્થળ પર જ મોત
ગુસ્સામાં અંધ થયેલા નાના ભાઈ હીરા પટેલે ઘર કે વાસણમાં વપરાતા તીક્ષ્ણ હથિયાર (વોંસી) વડે મોટા ભાઈ રમેશભાઈ પટેલ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. તેણે રમેશભાઈના માથાના ભાગે સણસણતો ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ગંભીર અને જીવલેણ હતો કે રમેશભાઈ પટેલ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ગામમાં અરેરાટી અને પોલીસ કાર્યવાહી
આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર દલવાડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ ગઢ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને આરોપી હીરા પટેલ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.








