Gandhinagar News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પચાવી પાડીને ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર સામ્રાજ્ય પર યોજના વિભાગે હથોડો વીંઝ્યો છે. લાંબા સમયથી ખડકાયેલા દબાણો સામે આક્રમક વલણ અપનાવી તંત્રએ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે 'ઝૂંપડા હટાવો ઝુંબેશ' હાથ ધરી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ભાગોના કુલ 8 સેક્ટરોમાં એકસાથે ત્રાટકેલી ટીમોએ જેસીબી ફેરવીને અંદાજે 250 જેટલા કાચા-પાકા દબાણોનો સફાયો બોલાવી દીધો હતો. આ કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને કરોડોની કિંમતી સરકારી જમીન કબ્જામુક્ત બની છે.
સેક્ટર-3 થી 27 સુધી જેસીબી ગર્જ્યા
પાટનગર યોજના વિભાગની કાર્યવાહીમાં મક્કમતાની સાથે માનવતાનો અભિગમ પણ જોવા મળ્યો હતો. જેસીબી ચલાવતા પૂર્વે તંત્રએ શ્રમિકોને વિનંતી કરી હતી કે તેઓ પોતાનો ઘરવખરીનો સામાન સલામત રીતે ખસેડી લે. સામાન હટાવવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ તંત્રએ લાલ આંખ કરી હતી. સેક્ટર-3, 4, 5, 6, 8, 25, 26 અને 27 જેવા મુખ્ય વિસ્તારોને આ ઝુંબેશમાં આવરી લેવામાં આવ્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજ સુધી અવિરત ચાલી હતી, જેમાં વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર વસવાટોના લીરેલીરા ઉડી ગયા હતા.
ચાર મહિનામાં બીજી મોટી સર્જિકલ સ્ટ્રાઈક
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટનગર યોજના વિભાગે માસ્ટર પ્લાનિંગ કર્યું હતું. અલગ-અલગ ડિવિઝનની કુલ 17 ટીમો બનાવીને વિવિધ પોઈન્ટ્સ પર પોલીસ કાફલા સાથે ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચારેક મહિના અગાઉ ચરેડીથી પેથાપુર સુધીના પટ્ટામાં 900 દબાણો હટાવીને તંત્રએ રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી, જેનો બીજો તબક્કો આજે આંતરિક સેક્ટરોમાં જોવા મળ્યો હતો. અધિકારીઓના મક્કમ વલણ સામે દબાણકારોની કોઈ પણ પ્રકારની વગ કે દલીલો આજે કારગત નીવડી નહોતી.
ઝુંબેશ હજુ બે દિવસ લંબાવવામાં આવશે
આજની સઘન કામગીરી માત્ર શરૂઆત છે. પાટનગર યોજના વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનું જાળું ફેલાયેલું છે. આ ઝુંબેશ આવતીકાલે પણ યથાવત રહેશે. શુક્રવારે ખાસ કરીને શહેરના હાર્દ સમાન સેક્ટર-7 અને સેક્ટર-11 વિસ્તારમાં જેસીબી ગર્જશે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝૂંપડા અને પતરાના શેડ બનાવી દેવામાં આવ્યા છે, જેને દૂર કરવા માટે તંત્રએ આખરી તૈયારીઓ કરી લીધી છે. શહેરને દબાણમુક્ત ન કરાય ત્યાં સુધી આ અભિયાન અટકશે નહીં તેવા સંકેત અપાયા છે.
ઝૂંપડા તૂટ્યા, પણ વગદારોના 'પ્રાઈવેટ ગાર્ડન' સામે તંત્ર કેમ લાચાર?
એક તરફ ઝૂંપડાઓ પર બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તંત્રની કામગીરી પર સવાલો પણ ઉઠી રહ્યા છે. શહેરના સેક્ટર-1, 2 અને 19 જેવા પોશ વિસ્તારોમાં અનેક વગદાર મકાન માલિકોએ સરકારી જમીન દબાવીને પોતાના પર્સનલ ગાર્ડન બનાવી દીધા છે. ગ્રીન નેટ લગાવીને પચાવી પાડેલી આ કરોડોની જમીન સામે તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? સામાન્ય શ્રમિકોના આશિયાના તોડી પાડતું તંત્ર વગદારોના દબાણ સામે કેમ નતમસ્ત છે, તેવી બુમરાણો સ્થાનિકોમાં ઉઠી છે. શું તંત્ર આ 'હાઈપ્રોફાઈલ' દબાણો પર પણ જેસીબી ફેરવવાની હિંમત બતાવશે?
ફરી દબાણ થશે તો કડક કાર્યવાહી
ગાંધીનગરને વર્લ્ડ ક્લાસ ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી બનાવવાની નેમ સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટનગર યોજના વિભાગનું કહેવું છે કે, દબાણોને કારણે શહેરનું આયોજન ખોરવાય છે અને સુરક્ષાના પ્રશ્નો પણ ઉભા થાય છે. આ વખતે તંત્ર માત્ર દબાણ હટાવીને સંતોષ નહીં માને, પરંતુ ખાલી કરાવેલી જમીન પર ફેન્સિંગ કે વૃક્ષારોપણ કરીને તેને સુરક્ષિત રાખવાનું પણ આયોજન છે. જો કોઈ ફરીથી દબાણ કરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ શકે છે.








