Amreli Sand mafia: અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના વધતા કિસ્સાઓ વચ્ચે પોલીસે મોટું ઓપરેશન હાથ ધરી રેતી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટમાં લાંબા સમયથી રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની બાતમી અમરેલી તાલુકા પોલીસને મળી હતી. સ્થાનીકો દ્વારા પણ નદીના પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ ગેરકાયદે ખનન અંગે વારંવાર ફરિયાદો નોંધાઈ રહી હતી.
10 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા
આ માહિતીના આધારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા PI ઓમદેવસિંહ જાડેજાની આગેવાનીમાં આ ઓપરેશન ટીમ રચવામાં આવી હતી. ગુપ્ત ચકાસણીઓ પૂર્ણ કર્યા બાદ પોલીસે અચાનક ચાપાથળ ગામ નજીક શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે રેતી ભરતા અને ખનન કરતા મસમોટા વાહનો ઝડપવામાં સફળતા મેળવી હતી. કાર્યવાહી દરમિયાન 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 JCB મશીનો અને 1 લોડર સહિત કુલ 10 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 60 લાખ રૂપિયા કરતા વધુ આંકવામાં આવી છે. આ વાહનો રાત્રીના સમયે નદીના પટમાંથી મોટા પાયે રેતી બહાર કાઢી વિવિધ સ્થળોએ પહોંચાડવામાં ઉપયોગમાં લેવાતા હતા.
રેતીના લૂંટારા સક્રિય હોવાનું કહેવામાં આવી રહ્યું
આ વિશાળ દરોડા બાદ વિસ્તારના રેતી માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનની જાણ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી ન થવાને કારણે સ્થાનિકોમાં અસંતોષ હતો. નદીના વિસ્તારોમાં ખુલ્લેઆમ રેતીના લૂંટારા સક્રિય હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. હવે પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહી બાદ ખાણ ખનીજ વિભાગની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે.
રેકોર્ડોની ચકાસણી પણ હાથ ધરવામાં આવી
પોલીસ સૂત્રો મુજબ, રેતી ખનનના આ ગેરકાયદે રેકેટમાં સ્થાનીક સ્તરે કેટલાક ગેરકાયદેસર તત્વો જોડાયેલા હોવાની શંકા છે. વધુ પૂછપરછ અને તપાસ બાદ સંડોવાયેલા મુખ્ય આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો અંગે ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ ઉપરાંત રેકોર્ડોની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસે આ ઓપરેશનને 'સમયસૂચક અને અસરકારક' ગણાવી છે. વધતા ગેરકાયદેસર ખનનને કારણે નદીના પર્યાવરણને થતા નુકસાન અને સરકારી આવકને થતી ખોટને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી વારંવાર હાથ ધરવાની જરૂરિયાત પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.








