BJP general secretary assaulter case: અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી છે. દામનગર ખાતે ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે પહેલા દામનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ હુમલો બ્રીજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન થયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જનક તાલવીયા પણ હાજર હતા. તે સમયે અચાનક થયેલા હુમલાથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો ઘાતક હથિયાર વડે કરવામાં આવ્યો હતો. ઘટનાના થોડા જ સમયમાં પોલીસે આરોપી હીરાભાઈ નવાપરાને ઝડપી લીધો છે. હુમલાખોર તરીકે ઓળખાતા હિરાભાઈ નવાપરા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી
આ સમગ્ર મામલે અમરેલીના Dy.SP ચીરાગ દેસાઈએ આરોપી ઝડપાયો હોવાની સત્તાવાર માહિતી આપી છે. પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલો કુટુંબી કારણોને લઈને કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના સમયે ધારાસભ્ય જનક તળાવીયા પણ સ્થળ પર હાજર હતા. હુમલા બાદ તેમણે તરત જ ઇજાગ્રસ્ત મહામંત્રી પ્રકાશ તેજાને પોતાની ગાડીમાં દામનગર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો
આ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયોમાં ઈજાગ્રસ્ત નેતાના બનેવીએ ધારાસભ્ય જનક તળાવીયાને ફોન કરીને સમગ્ર ઘટનાને લઈને તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઓડિયોમાં કેટલાક રાજકીય મુદ્દાઓ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દામનગરમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ વાયરલ થયેલી ઓડિયો ક્લિપની પણ તપાસ કરવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઇજાગ્રસ્ત ભાજપના મહામંત્રીની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત અંગે તબીબો દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકો તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.








