online selling fraud: આજના ડિજિટલ યુગમાં OLX જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર લોકો સરળતાથી પોતાની જૂની વસ્તુઓ વેચે છે, પરંતુ આ સુવિધાનો ગેરફાયદો ઉઠાવતા ઠગો પણ સક્રિય થયા છે. અમદાવાદમાંથી આવી જ એક ગંભીર સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે, જેમાં ઝોન-5 LCB સ્કવોડે ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપતા કુખ્યાત આરોપી સુરેશ ઠુમ્મરની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી કુલ રૂ. 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની ધરપકડ બાદ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં થયેલા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
શું છે ઠગાઈનો સમગ્ર મામલો?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ખૂબ જ આયોજનબદ્ધ રીતે ગુનાઓને અંજામ આપતો હતો. પકડથી બચવા માટે તે પહેલા મોબાઈલ ફોન ચોરી કરતો, પછી તેમાં રહેલું સીમકાર્ડ કાઢી નાંખતો અને માત્ર વોટ્સએપ ચલાવવા માટે તેનો ઉપયોગ કરતો. વાઈ-ફાઈ ઇન્ટરનેટના સહારે તે OLX પર જાહેરાત મૂકનાર વ્યક્તિઓને સંપર્ક કરતો, જેથી તેની ઓળખ ગુપ્ત રહે. આરોપી સામાન્ય ગ્રાહકની જેમ વાતચીત કરી રૂબરૂ મળવાનું નક્કી કરતો. વસ્તુ જોવા માટે મુલાકાત લઈ તે વેચનાર વ્યક્તિની સંપૂર્ણ માહિતી મેળવી લેતો, જેમ કે ઘરનું સરનામું, પરિવારની સ્થિતિ અને ઘરમાં ક્યારે કોઈ હાજર ન હોય તે સમય. ત્યારબાદ યોગ્ય તક જોઈને તે વ્યક્તિના ઘરે જઈ ચોરી કરી લેતો. કેટલીક વખત તો તે નજર ચૂકવીને અથવા વિશ્વાસઘાત કરીને પણ ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
લાંબા સમયથી નજર હેઠળ હતો આરોપી
ઝોન-5 LCB સ્કવોડના પીએસઆઈ કાર્તિકસિંહ જાડેજા અને તેમની ટીમ છેલ્લા છ મહિનાથી આરોપી પર નજર રાખી રહી હતી. અનેક વખત પીછો કર્યા છતાં આરોપી હાથમાંથી છટકી જતો હતો, પરંતુ 12 જાન્યુઆરીના રોજ આરોપીનું લોકેશન ન્યૂ મણિનગર વિસ્તારમાં મળતા જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી તેના ઘરમાં દરોડો પાડ્યો અને તેને ઝડપી લીધો.
અનેક શહેરોમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ખુલ્યો
આરોપી સામે નારોલ, ચાંદખેડા, ઓઢવ, વડોદરા, ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં ચોરી, વિશ્વાસઘાત અને નજર ચૂકવીને ચોરી જેવા ગુનાઓ નોંધાયેલા હતા. અત્યાર સુધી આ તમામ કેસો વણઉકેલાયેલા હતા, પરંતુ આરોપીની ધરપકડ બાદ તમામ 6 ગુનાઓની ગૂંચવણ ઉકેલાઈ છે.
પોલીસની અપીલ
પોલીસે લોકોને અપીલ કરી છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર વસ્તુ વેચતી વખતે સાવચેતી રાખવી જોઈએ. અજાણ્યા વ્યક્તિને ઘરનું સરનામું કે વ્યક્તિગત માહિતી આપતાં પહેલાં પૂરતી તપાસ કરવી જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી જાહેર સ્થળે મુલાકાત રાખવી અને ડિજિટલ લેવડદેવડમાં પણ સતર્ક રહેવું જોઈએ. આ કેસ ફરી એકવાર સાબિત કરે છે કે, ઓનલાઈન સગવડ સાથે સતર્કતા પણ એટલી જ જરૂરી છે.








