Gujarat University NSUI Protest: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કથિત નાણાકીય ગેરરીતિ અને અંગત ખર્ચ યુનિવર્સિટીના નાણાંમાંથી કરાવવાના આક્ષેપોને લઈને NSUIએ આજે (19 સપ્ટેમ્બર) ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ કુલપતિની ખુરશી પર નીરજા ગુપ્તાના પોસ્ટર મૂકીને તેના પર લિપસ્ટિક લગાવી હતી અને બંગડીઓ પછાડી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થતાં કુલપતિની ઓફિસના કેટલાક કાચ તૂટ્યા હોવાનું સામે આવ્યું છે.
પોસ્ટર પર લિપસ્ટિક લગાવી, પોલીસ સાથે ઘર્ષણ
NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવતા કેટલાક કાર્યકર્તાઓએ પોલીસના હાથ પકડી તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું અને વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન કુલપતિની ઓફિસમાં રાખવામાં આવેલા કાચના ગ્લાસ તેમજ ઓફિસની બહાર ટેબલ પર રાખવામાં આવેલો કાચ તૂટી ગયો હતો. પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા બાદ કુલપતિની ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.
5 PSI સહિત 50થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત
ઘર્ષણની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. કુલપતિની ઓફિસની બહાર 5 PSI સહિત 50થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે યુનિવર્સિટી પરિસરમાં થોડા સમય માટે તંગ સ્થિતિ સર્જાઈ હતી.
‘વિદ્યાર્થીઓના પૈસા લિપસ્ટિક સહિતના ખર્ચમાં વપરાયા’
NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ લિપસ્ટિક, કપડાં અને અન્ય અંગત વસ્તુઓની ખરીદી માટે યુનિવર્સિટીના નાણાંનો ઉપયોગ કર્યો હતો. તેમણે વિદેશ પ્રવાસ દરમિયાન પણ યુનિવર્સિટીના ખર્ચે અંગત ખરીદી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવા આક્ષેપો અંગે અગાઉ પણ જાહેર ચર્ચા થઈ ચૂકી છે. વિક્રમસિંહ ગોહિલે વધુમાં દાવો કર્યો હતો કે અગાઉ સામે આવેલા ₹40 કરોડના મુદ્દા ઉપરાંત યુનિવર્સિટીના ઓડિટમાં વધુ ગેરરીતિઓ બહાર આવી શકે છે. તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નીરજા ગુપ્તા સામે કાર્યવાહી અને FIRની માંગ
NSUI કાર્યકર્તાઓએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ કથિત રીતે આવા બિલ મંજૂર કરનારા અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ ₹40 કરોડના PMJVK સંબંધિત આક્ષેપો અંગે નીરજા ગુપ્તાએ પોતે દાવાઓને ભ્રામક ગણાવીને સ્પષ્ટતા કરી હતી કે ₹40 કરોડ સમગ્રપણે યુનિવર્સિટીને મળ્યા નહોતા અને પ્રથમ હપ્તા તરીકે ₹16.50 કરોડ જ મળ્યા હતા. તેથી હાલના લિપસ્ટિક અને અન્ય અંગત ખર્ચ સંબંધિત આક્ષેપો પણ તપાસ અને દસ્તાવેજોની ચકાસણીનો વિષય છે.








