NMC Guidelines: ડૉક્ટરો અને હોસ્પિટલો દ્વારા સારવાર અંગે કરવામાં આવતી જાહેરાતોને લઈને નેશનલ મેડિકલ કમિશન (NMC)એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે તૈયાર કરાયેલા આ નિયમોનો હેતુ મેડિકલ વ્યવસાયની ગરિમા જાળવવાનો, હેલ્થકેર ક્ષેત્રમાં વ્યાપારીકરણ અટકાવવાનો અને દર્દીઓના હિતોનું રક્ષણ કરવાનો છે. નવા નિયમો અનુસાર, ભ્રામક દાવા, લોભામણી ઓફર્સ અને દર્દીઓની માહિતીના પ્રમોશનલ ઉપયોગ સામે કાર્યવાહી થઈ શકે છે.
'100 ટકા સક્સેસ' અને 'બેસ્ટ ડૉક્ટર' જેવા દાવા નહીં ચાલે
નવી ગાઈડલાઈન અનુસાર, ડૉક્ટરો કે હોસ્પિટલો સારવાર અંગે ખોટા દાવા કરતી અથવા દર્દીઓને ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરી શકશે નહીં. જાહેરાતોમાં 'નંબર વન ડૉક્ટર', 'બેસ્ટ ડૉક્ટર', '100 ટકા સક્સેસ', 'સારું થઈ જવાની ગેરંટી', 'મિરેકલ ટ્રીટમેન્ટ' અને 'પેઈનલેસ ટ્રીટમેન્ટ' જેવા દાવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્દીઓને સારવાર માટે આકર્ષવા ડિસ્કાઉન્ટ, ખાસ ઓફર્સ, ગિફ્ટ કે કૂપન્સ આપીને પ્રમોશન કરવાની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
AI દ્વારા ભ્રામક પ્રચાર પર પણ નિયંત્રણ
નવી ગાઈડલાઈન હેઠળ ડૉક્ટરો અને હોસ્પિટલો કોમર્શિયલ હેતુ માટે AI દ્વારા તૈયાર કરાયેલા પ્રમોશનલ કેમ્પેઈન ચલાવી શકશે નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દર્દીઓને સમજ આપવા માટે થઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા કે દર્દીઓને છેતરવા માટે કરી શકાશે નહીં. દર્દીઓનાં નામ, ફોટોગ્રાફ કે અન્ય મેડિકલ રેકોર્ડનો પ્રમોશનલ હેતુ માટે ઉપયોગ કરવા અથવા તેને અન્ય લોકો સાથે શેર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિયમો તોડ્યા તો દંડથી લઈને લાયસન્સ સસ્પેન્શન સુધીની કાર્યવાહી
ગાઈડલાઈન મુજબ નિયમોનો ભંગ કરનાર ડૉક્ટરો સામે તબક્કાવાર કાર્યવાહી થઈ શકે છે:
પ્રથમ વખત ભંગ: ચેતવણી આપવામાં આવશે.
બીજી વખત ભંગ: પેનલ્ટી એટલે કે દંડ ફટકારવામાં આવી શકે છે.
ત્રીજી વખત ભંગ: 3થી 6 મહિના માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે છે.
ગંભીર ઉલ્લંઘન: કેસની ગંભીરતાને આધારે 6થી 12 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.
વારંવાર નિયમોનો ભંગ: મેડિકલ રજિસ્ટરમાંથી 1થી 3 વર્ષ માટે નામ દૂર કરવાની કાર્યવાહી થઈ શકે છે.
આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ મેડિકલ સેવાઓ અંગેના ખોટા દાવાઓ પર રોક લગાવવાનો અને દર્દીઓને ભ્રામક પ્રચારથી બચાવવાનો છે.








