Nirma University Big Claims vs Harsh Reality: અમદાવાદની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓમાં ગણાતી નિરમા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લો અભ્યાસક્રમની 2026-27ની પ્રથમ વર્ષની બેચના 350 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલી લેવામાં આવી છે. છતાં, શૈક્ષણિક સત્ર શરૂ થવાના નિર્ધારિત સમય કરતાં ત્રણ અઠવાડિયાથી પણ વધુ સમય વીતી જવા છતાં ફિઝિકલ ક્લાસિસ અને હોસ્ટેલ સુવિધા શરૂ ન થતાં દેશભરમાંથી આવેલા પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
રૂ. 15 કરોડની વસૂલી પણ સુવિધાના નામે મીંડું
યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મે મહિનામાં જ પ્રતિ વિદ્યાર્થી રૂ. 4.25 લાખ શૈક્ષણિક ફી પેટે ઉઘરાવવામાં આવ્યા હતા, જે 350 વિદ્યાર્થીઓ મુજબ ગણતરી કરીએ તો આશરે રૂ. 15 કરોડથી વધુની માતબર રકમ થાય છે. આ ઉપરાંત હોસ્ટેલ, મેસ અને લોન્ડ્રી ચાર્જિસના નામે પણ અલગથી નાણાં લેવાયા હતા. શરૂઆતમાં 19 જુલાઈથી ક્લાસ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ હોસ્ટેલનું કામ બાકી હોવાનું કહી તારીખ લંબાવી 1 ઓગસ્ટ કરાઈ હતી. ઓનલાઈન ઓરિએન્ટેશનમાં કેમ્પસ હોસ્ટેલ તૈયાર હોવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
BU પરમિશન વગર અધૂરું બાંધકામ અને જોખમી સ્થિતિ
જ્યારે 1 ઓગસ્ટે દેશના ખૂણે-ખૂણેથી વાલીઓ પોતાના બાળકો સાથે મોંઘી ટિકિટો ખર્ચીને અમદાવાદ કેમ્પસ પહોંચ્યા ત્યારે આઘાતજનક વિગતો બહાર આવી. 10 માળની હોસ્ટેલ ઇમારતમાંથી માત્ર 4થી 5 માળનું જ કામ પૂરું થયું હતું. ઇમારતમાં પ્લમ્બિંગ, વાયરિંગ કે બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી. ઉપરના માળે બાંધકામ ચાલુ હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા ફરજિયાત એવા બીયુ (BU) પરમિશન વગર જ વિદ્યાર્થીઓને રાખવાની તૈયારી કરાઈ હોવાનો ગંભીર આરોપ ઉઠ્યો છે.
વાલીઓના ફોન ટાળતું મેનેજમેન્ટ અને વળતરના અટકેલા વાયદા
કેમ્પસમાં વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવતા મેનેજમેન્ટે શરૂઆતમાં બચાવરૂપ વલણ અપનાવ્યું હતું. બહારગામના વિદ્યાર્થીઓને થયેલી મુશ્કેલી અને પીજી ખર્ચ પેટે રૂ. 1 લાખનું વળતર આપવાની અને હોસ્ટેલ ફી રિફંડ કરવાની ખાતરી આપી હતી. જોકે, અઠવાડિયાઓ વીતી ગયા છતાં એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. હવે વાલીઓનો આરોપ છે કે મેનેજમેન્ટના જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે અને સંતોષકારક જવાબ આપી રહ્યા નથી.
શિક્ષણ જગતમાં ઉઠતા સળગતા સવાલો
આ સમગ્ર ઘટનાએ નામાંકિત શિક્ષણ સંસ્થાઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. શું યુનિવર્સિટી સત્તાવાળાઓને અગાઉથી ખબર નહોતી કે બિલ્ડિંગ પાસે માન્ય BU પરમિશન નથી? કરોડો રૂપિયાની ફી વસૂલ્યા પછી પણ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને રઝળાવી મૂકનાર સત્તાધીશો સામે કડક પગલાં ક્યારે લેવાશે તે હવે જોવાનું રહે છે.








