New Naroda Navratri chair dispute: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી સર્જન સ્કાય ફ્લેટ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખુરશીમાં બેસવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો હતો. 15 ઓક્ટોબરની રાત્રે ગરબાના આયોજન દરમિયાન બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલે સમાધાન કરાવવા માટે આગળ આવેલા સોસાયટીના ચેરમેન અને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અનિલ નાયક પર કેટલાક શખસોએ કથિત રીતે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અનિલ નાયકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખુરશીમાં બેસવા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી
મળતી માહિતી અનુસાર, સર્જન સ્કાય ફ્લેટમાં પરિવાર સાથે રહેતા અનિલ નાયક અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સોસાયટીના ચેરમેન પણ છે. 15 ઓક્ટોબરે સોસાયટીમાં ગરબાનું આયોજન ચાલી રહ્યું હતું ત્યારે ખુરશી લેવા અને બેસવા બાબતે સોસાયટીમાં રહેતી નિધિ લાડવા અને હીનાબહેન પંચાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન નિધિ લાડવાના પિતા છગનભાઈ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જોકે, સોસાયટીના અન્ય સભ્યોએ દરમિયાનગીરી કરીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો.
સમાધાન બાદ ફરી હોબાળો, બહારથી શખસો પહોંચ્યા
આરોપ મુજબ, સમાધાન થયાના થોડા સમય બાદ હિતેન્દ્ર લાડવા સહિત બે શખસો બાઇક પર સોસાયટીમાં આવ્યા હતા. તેઓ નિધિ લાડવાના પક્ષમાં બોલીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ચેરમેન અનિલ નાયક અને સોસાયટીના અન્ય સભ્યોએ તેમને સમજાવ્યા હતા અને બહાર મોકલી દીધા હતા. જોકે, ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ બે એક્ટિવા પર ચાર શખસો લાકડાના દંડા લઈને સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન એક શખસે જાહેરમાં ટી-શર્ટ ઉતારીને ગાળાગાળી કરી હતી અને અનિલ નાયક પર દંડા વડે હુમલો કર્યો હતો.
ચેરમેનના માથામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, અંશ લાડવા, મહાવીરસિંહ રાણા, કૃતાર્થસિંહ રાઓલ સહિતના શખસો સોસાયટીના પરિસરમાં ઘૂસી ગયા હતા અને મારામારી શરૂ કરી હતી. અનિલ નાયક વચ્ચે પડીને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અંશ લાડવાએ તેમના માથાના ભાગે પંચ જેવું તીક્ષ્ણ હથિયાર માર્યું હોવાનો આરોપ છે. આ હુમલામાં અનિલ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સોસાયટીના અન્ય રહીશો દોડી આવ્યા હતા, જેના કારણે હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ચેરમેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
CCTVના આધારે પોલીસ તપાસ, બે આરોપીઓની અટકાયત
સમગ્ર ઘટનાક્રમ સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ સહિતની વિગતોના આધારે બે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય સંડોવાયેલા શખસોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નવરાત્રિ જેવા તહેવાર દરમિયાન સામાન્ય બોલાચાલીમાંથી હિંસક ઘટના બનતાં સોસાયટીમાં ચકચાર મચી ગઈ છે.








