Ahmedabad news: અમદાવાદમાં સોશિયલ મીડિયા પર રોલો પાડવાની લાલચમાં યુવાનોના જીવલેણ સ્ટંટના વીડિયો સતત સામે આવી રહ્યા છે. ત્યારે એલિસબ્રિજ વિસ્તારમાંથી આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણ યુવકો બાઈક પર સવાર થઈને જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.
બાઈક પર ત્રણ સવાર છતાં યુવકને ખભા પર બેસાડ્યો
વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક બાઈક ચલાવી રહ્યો છે, જ્યારે તેની પાછળ અન્ય બે યુવકો બેઠેલા જોવા મળે છે. જોકે, આટલું પૂરતું ન હોય તેમ બાઈકના સૌથી પાછળ બેઠેલા યુવકે વધુ એક યુવકને પોતાના ખભા પર બેસાડી દીધો હતો. આ રીતે બાઈક પર સવાર યુવકો જાહેર રસ્તા પર જીવના જોખમે સ્ટંટ કરતા હોવાનું વીડિયોમાં દેખાય છે.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો
મળતી માહિતી મુજબ, આ વીડિયો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોના આધારે પોલીસે સ્ટંટ કરનારા યુવકોની ઓળખ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાઈક ચલાવનાર યુવકનું નામ અશોક રમેશભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. તેની સાથે બાઈક પર સવાર અન્ય બે યુવકોની ઓળખ અલ્કેશ હરીશભાઈ કનોજીયા અને મિતેશ કેતનભાઈ ઝાલા તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ ત્રણેય યુવકો નાની હમામની પોળ, માતાવાળો ખાંચો, ઘી-કાંટા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
જીવલેણ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એલિસબ્રિજ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતી બાઈકની નંબર પ્લેટના આધારે યુવકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ બાદ પોલીસે ત્રણેય યુવકોને ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્ટંટબાજો સામે દાખલારૂપ કાર્યવાહી
જાહેર રસ્તા પર અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી આ પ્રકારના સ્ટંટ કરનારા યુવકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર લાઈક્સ અને રોલો પાડવાની લાલચમાં કરવામાં આવતો આ પ્રકારનો સ્ટંટ ક્યારેક ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. એલિસબ્રિજ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં યુવાનો પોતાનો અને અન્ય લોકોનો જીવ કેટલા જોખમમાં મૂકી રહ્યા છે.








