Narmada Parikrama death Ahmedabad man death: અમદાવાદમાં કોચિંગ ક્લાસ ચલાવતા એક યુવાનનું નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત બગડતા દુઃખદ અવસાન થયું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઘાટલોડિયા વિસ્તારમાં સિમરાજ એવન્યૂમાં રહેતા દેવલ મહેન્દ્રભાઈ સુથાર (ઉંમર આશરે 40 વર્ષ) શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા અને "શ્રીજી એન્જિનિયરિંગ ક્લાસ" નામથી કોચિંગ સંસ્થા ચલાવતા હતા. તેઓ મૂળ વડોદરાના વતની હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થઈ પરિવાર સાથે રહેતા હતા. દેવલભાઈ તાજેતરમાં પોતાના ત્રણ મિત્રો સાથે નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં ગયા હતા. તેમણે રામપુરા ઘાટ પરથી પરિક્રમાની શરૂઆત કરી અને આખો દિવસ પ્રવાસ કરીને મોડી રાત્રે પરિક્રમા પૂર્ણ કરી.
અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા
લાંબા પ્રવાસ બાદ તેઓએ રામપુરા ઘાટ પાસે જ થોડો આરામ કરવાનો નિર્ણય કર્યો હતો અને સવારે આગળ વધવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે દેવલભાઈ લઘુશંકા માટે થોડું દૂર ગયા હતા, પરંતુ અચાનક તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. થોડી જ વારમાં તેમની તબિયત વધુ ખરાબ થવા લાગી અને તેમને ઉલ્ટીઓ થવા લાગી. આ સ્થિતિ જોઈને તેમના મિત્રોએ તરત જ અન્ય લોકોને જાણ કરી અને તાત્કાલિક સારવાર માટે તેમને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
આ ઘટનાએ મિત્રો અને પરિવારજનોને ભારે આઘાત પહોંચાડ્યો છે. દેવલભાઈ પાછળ પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતનો પરિવાર છે, જે હવે અચાનક થયેલી આ દુર્ઘટનાથી શોકમાં ડૂબી ગયો છે. આ બનાવ અંગે રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેની રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
મોબાઇલ ફોન તેમજ હાથમાં પહેરેલી વીંટી સહિતના દાગીના ગુમ
પરિવાર તરફથી મળતી માહિતી મુજબ, દેવલભાઈ પડી ગયા તે સમયે તેમનો મોબાઇલ ફોન તેમજ હાથમાં પહેરેલી વીંટી સહિતના કેટલાક દાગીના ગુમ થઈ ગયા હતા. કહેવાય છે કે તેમણે અન્ય પરિક્રમાવાસીઓના ફોનનો ઉપયોગ કરીને પોતાના મિત્રોને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાએ નર્મદા પરિક્રમા જેવા ધાર્મિક પ્રવાસ દરમિયાન આરોગ્ય અને સુરક્ષા અંગેના પ્રશ્નો પણ ઉભા કર્યા છે.








