30-Year-Old Narmada Dam Financial Dispute Resolved: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પાણી, વીજળી અને મેન્ટેનન્સ ખર્ચને લઈને ચાર રાજ્યો વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી ચાલી આવતી મથામણનો હવે સત્તાવાર રીતે અંત આવ્યો છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને કેન્દ્ર સરકારની પહેલથી મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચેના તમામ નાણાકીય પ્રશ્નો પર મોટી સમજૂતી સધાઈ છે. આ ઐતિહાસિક નિર્ણયથી ભવિષ્યમાં આંતરરાજ્ય સહયોગ વધુ મજબૂત બનશે અને લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નો ઉકેલાયા છે.
મધ્યપ્રદેશે બાકી નાણાં ચૂકવ્યા, 6% વ્યાજ સાથે હિસાબ ક્લિયર
દાયકાઓથી પેન્ડિંગ રહેલા હિસાબોને લઈને ચારેય રાજ્યોએ સહમતિ દર્શાવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં થયેલા કરાર મુજબ, મધ્યપ્રદેશ સરકારે છેલ્લા 10 વર્ષથી બાકી રહેલા મેન્ટેનન્સ અને પ્રોજેક્ટ ખર્ચના નાણાં ચૂકવી દીધા છે. આ ઉપરાંત, તમામ રાજ્યોના પરસ્પરના બાકી લેણાં અને ખર્ચની રકમ પર 6 ટકા લેખે વ્યાજ ગણીને સમગ્ર નાણાકીય હિસાબ ચોખ્ખો કરવામાં આવ્યો છે. આ કરારના અમલથી હવે સમયસર મેન્ટેનન્સ ફંડ મળી રહેશે અને ભવિષ્ય માટે નાણાકીય સ્પષ્ટતા પણ રહેશે.
ગુજરાતમાં પાણીની અછત નિવારવાની નવી ફોર્મ્યુલા
ઓછા વરસાદ કે 'અલ-નીનો' જેવી કુદરતી પરિસ્થિતિઓમાં ગુજરાતને પાણીની કમી ન સર્જાય તે માટે એક ખાસ અને વ્યવહારુ રસ્તો કાઢવામાં આવ્યો છે. આ નવી સમજૂતી મુજબ, જરૂરિયાતના સમયે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજળીનું ઉત્પાદન થોડા સમય માટે રોકીને તે પાણી સીધું ગુજરાત તરફ વાગશે. જેના બદલામાં આ બંને રાજ્યોને નુકસાન ન જાય તે માટે તેમને બહારથી વીજળી ખરીદીને આપવામાં આવશે અથવા તેનું યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવશે. આ માટે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો એક સચોટ ફોર્મ્યુલા તૈયાર કરશે.
ડેમ સુરક્ષા અને નદીઓની સ્વચ્છતા પર વિશેષ ભાર
એકતાનગર ખાતે યોજાયેલી આ સર્વગ્રાહી બેઠકમાં માત્ર નાણાકીય કે પાણીની વહેંચણી જ નહીં, પરંતુ પર્યાવરણ અને સુરક્ષાના મુદ્દાઓ પર પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં 'ડેમ સેફ્ટી એક્ટ' અંતર્ગત સરદાર સરોવર સહિત અન્ય ડેમોની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પ્રાદેશિક નદીઓની સફાઈ ઝુંબેશ અને વિવિધ જળ સંચય પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેથી આખી સિસ્ટમ વધુ અદ્યતન અને સુરક્ષિત બની શકે.








