Mansukh Vasava Chaitar Vasava Corruption Allegation Controversy: નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અને તેના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ગુજરાતના રાજકારણમાં મોટા વમળો પેદા કરી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ હવે કલેક્ટર કચેરીના ઉંબરે આવી પહોંચ્યો છે. એક તરફ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ₹75 લાખ માંગવાનો આક્ષેપ કરી પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે મેદાને પડ્યા છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ કલેક્ટર પર ભાજપના દબાણ હેઠળ નિવેદન બદલવાનો અને EDની ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાંસદ મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો બાદ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ₹75 લાખની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ સરકારી અધિકારીઓ પાસે અવારનવાર નાણાંની ઉઘરાણી કરે છે.
ચૈતર વસાવાએ કલેક્ટર સંજય મોદીને મળી ખુલાસો માંગ્યો
જોકે, આ મામલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટર સંજય મોદીને મળી ખુલાસો માંગ્યો, ત્યારે કલેક્ટરે શરૂઆતમાં આવી કોઈ વાત થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. કલેક્ટરના આ ઈનકારથી મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને તેમણે પક્ષમાંથી રાજીનામું આપવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.
મનસુખ વસાવાની રજૂઆત: ‘હેલિપેડ પર વાત થઈ હતી’
આજે 26 ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે ફરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું કે, "6 ડિસેમ્બરે જ્યારે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા, ત્યારે તેમની વિદાય બાદ હેલિપેડ પર કાર્યપાલક ઈજનેરે આપની (કલેક્ટરની) હાજરીમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા ₹75 લાખ માંગે છે. આ વાત હકીકત છે અને તેનાથી મુકરવું એ મારી રાજકીય શાખને નુકસાન પહોંચાડવા સમાન છે." મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને ધમકાવનારાઓ સામે લડાઈ લડી રહ્યા છે.
કલેક્ટર સંજય મોદીનું પલટાયેલું નિવેદન
સાંસદના દબાણ અને આવેદનપત્ર બાદ કલેક્ટર સંજય મોદીએ ઓન કેમેરા પોતાનું નિવેદન બદલ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે હેલિપેડ પર ખરેખર આવી ચર્ચા થઈ હતી. કલેક્ટરે જણાવ્યું કે, "માનનીય સાંસદ સભ્યશ્રીની વાત સાચી છે. મારી ચેમ્બરમાં આવી કોઈ વાત નથી થઈ, પરંતુ કેવડિયા હેલિપેડ પર એક્ઝિક્યુટિવ એન્જીનીયરે મને અને સાંસદને જાણ કરી હતી કે ધારાસભ્ય અને કોન્ટ્રાક્ટરો મારફતે નાણાંની માંગણી કરવામાં આવી છે. આ ગંભીર બાબત છે અને મેં આ અંગે તપાસના આદેશ આપી દીધા છે."
ચૈતર વસાવાનો પલટવાર: ‘EDની ધમકીથી કલેક્ટર નમ્યા’
કલેક્ટરના નિવેદન બદલાયા બાદ ચૈતર વસાવાએ આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓએ કલેક્ટરને 'ED' ની ધમકી આપી છે અને સરકારના દબાણને કારણે કલેક્ટરે 24 કલાકમાં પોતાની વાત ફેરવી તોળી છે.
'મનસુખ વસાવા બોખલાઈ ગયા છે'
ચૈતર વસાવાએ જણાવ્યું કે, "મનસુખ વસાવા બોખલાઈ ગયા છે. તેમણે સરકાર અને ભાજપના ઉચ્ચ અધિકારીઓ પાસે દબાણ કરાવી આખી સ્ક્રિપ્ટ તૈયાર કરાવી છે. કાર્યપાલક ઈજનેર પોતે કહે છે કે તેઓ રજા પર છે, તો પછી હેલિપેડ પર વાત કેવી રીતે થઈ? કલેક્ટર જેવા સંવૈધાનિક પદ પર બેસીને બે મોઢે વાત કરવી શોભતી નથી."
ખર્ચની CID તપાસની માંગ
વિવાદ માત્ર 75 લાખ સુધી સીમિત નથી રહ્યો. ચૈતર વસાવાએ હવે વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે જે એજન્સીઓએ કાર્યક્રમનો 10 ગણો વધુ ખર્ચ બતાવ્યો છે, તે મનસુખ વસાવા સાથે સંબંધિત છે. ચૈતર વસાવાએ માંગ કરી છે કે, કાર્યક્રમના તમામ ખર્ચની CID તપાસ કરવામાં આવે.જે પણ શાખાઓમાંથી ખોટા ખર્ચ બતાવ્યા છે તેની રિકવરી કરવામાં આવે. કલેક્ટર 7 દિવસમાં લેખિત ખુલાસો આપે.
રાજકીય કારકિર્દી દાવ પર
આ ઘટનાક્રમે નર્મદા જિલ્લાના રાજકારણને ગરમાવી દીધું છે. એક તરફ મનસુખ વસાવાએ પોતાની પ્રમાણિકતા સાબિત કરવા રાજીનામાનું હથિયાર ઉગામ્યું હતું, તો બીજી તરફ ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં પોતાની લોકપ્રિયતા અને ભાજપ વિરોધી લડતને વધુ તેજ બનાવી છે. બંને નેતાઓ હવે આરપારના જંગમાં છે અને આગામી દિવસોમાં તપાસના રિપોર્ટ બાદ આ મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.








