Laxmanrao Inamdar PM Narendra Modi Guru Vakil Saheb: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સામાન્ય પ્રચારક અને સ્વયંસેવકથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદીના જીવન નિર્માણમાં તેમના ગુરુનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, પીએમ મોદીના વાસ્તવિક આધ્યાત્મિક અને રાજકીય માર્ગદર્શક લક્ષ્મણરાવ ઈનામદાર હતા, જેમને સંઘના વર્તુળોમાં સૌ પ્રેમથી 'વકીલ સાહેબ' કહીને બોલાવતા હતા. વકીલ સાહેબ જ એ વ્યક્તિ હતા જેમણે વડનગરના એક નાના બાળક નરેન્દ્ર મોદીમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સમાજસેવાના બીજ વાવ્યા હતા.

વડનગરમાં પ્રથમ મુલાકાત અને સંઘની શાખાનું આકર્ષણ
નરેન્દ્ર મોદી નાની વયે પોતાના પિતાના ચાના સ્ટોલ પર મદદ કરવાની સાથે વડનગરમાં RSSની શાખામાં જતા હતા. 1960ના દાયકામાં સંઘના ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે લક્ષ્મણરાવ ઈનામદાર યુવાનોને સંઘ સાથે જોડવા વડનગર આવ્યા હતા. ઈનામદાર સાહેબની ઓજસ્વી ભાષણ શૈલી અને વ્યક્તિત્વથી નરેન્દ્ર મોદી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ કિશોરાવસ્થામાં આધ્યાત્મિક શાંતિની શોધમાં બે વર્ષ હિમાલય અને બેલુર મઠ ભ્રમણ કર્યા બાદ જ્યારે મોદી અમદાવાદ પાછા ફર્યા ત્યારે ઈનામદાજીએ જ તેમને અમદાવાદ સ્થિત હેડગેવાર ભવન (સંઘ કાર્યાલય)માં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
રૂમ નંબર 3માં ચા બનાવવાથી લઈને નેતૃત્વના પાઠ સુધી
અમદાવાદના હેડગેવાર ભવનના રૂમ નંબર 3માં નરેન્દ્ર મોદી રહેતા હતા. ત્યાં તેઓ ચા બનાવવી, કાર્યાલયની સાફ-સફાઈ કરવી અને સંઘનું દૈનિક કામકાજ સંભાળતા હતા. વકીલ સાહેબે મોદીની તીક્ષ્ણ બુદ્ધિ, સંગઠન કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતાને ઓળખી લીધી હતી. તેમણે જ મોદીની વક્તૃત્વ કળાને નિખારી અને 1972માં 12 વર્ષની સખત મહેનત બાદ નરેન્દ્ર મોદીને સંઘના પૂર્ણકાલીન પ્રચારક બનાવવામાં આવ્યા. ઈનામદારના કહેવાથી જ મોદીએ આગળનો ઉચ્ચ અભ્યાસ (પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ) પૂર્ણ કર્યો હતો.
કોણ હતા લક્ષ્મણરાવ ઈનામદાર 'વકીલ સાહેબ'?
લક્ષ્મણરાવ ઈનામદારનો જન્મ 1917માં પુણે નજીક ખાટવ ગામમાં એક પ્રતિષ્ઠિત મહેસૂલી અધિકારીના ઘરે થયો હતો. 1943માં પુણે યુનિવર્સિટીમાંથી કાયદા (Law)ની પદવી મેળવ્યા બાદ તેઓ આજીવન સંઘ પ્રચારક બન્યા હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની સાથે હૈદરાબાદના નિઝામ સામે પણ મોરચો માંડ્યો હતો. 1960 અને 1970ના દાયકામાં તેમણે ગુજરાતમાં સંઘનો પાયો મજબૂત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
1975ની કટોકટી (Emergency) અને અંડરગ્રાઉન્ડ સફર
1975માં જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ થઈ અને RSS પર પ્રતિબંધ મૂકાયો ત્યારે ધરપકડથી બચવા માટે લક્ષ્મણરાવ ઈનામદાર અને નરેન્દ્ર મોદી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીએ આ સમયગાળા દરમિયાન સંન્યાસી અને સરદારજી (સિખ)નો વેશપલટો કરીને સંઘના કાર્યકરો વચ્ચે સંપર્ક જાળવી રાખ્યો હતો. આ કટોકટીના સમયમાં દર્શાવેલી ક્ષમતાને કારણે મોદીને વડોદરા, પંચમહાલ અને ડાંગ જેવા જિલ્લાઓના પ્રચારકની મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

1984માં નિધન અને 2001નો રોચક પ્રસંગ
1980ના દાયકામાં લક્ષ્મણરાવ ઈનામદારને કેન્સર હોવાનું નિદાન થયું અને 1984માં તેમનું નિધન થયું. પીએમ મોદી આજે પણ પોતાના ગુરુએ લખેલા પુસ્તકો અને યાદો સાચવીને રાખે છે. ઓગસ્ટ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી હતા ત્યારે તેઓ પોતાના ગુરુના પુસ્તકના વિમોચન માટે તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીને મળવા વડાપ્રધાન નિવાસસ્થાન ગયા હતા અને યોગાનુયોગ આ ઘટનાના બરાબર 13 વર્ષ પછી (2014 માં) નરેન્દ્ર મોદી પોતે જ દેશના વડાપ્રધાન બનીને એ જ નિવાસસ્થાને પહોંચ્યા હતા.
લક્ષ્મણરાવ ઈનામદાર અને પીએમ મોદી અંગે વિશેષ માહિતી
'સેતુબંધ' પુસ્તક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુ લક્ષ્મણરાવ ઈનામદારના જીવન અને સંઘમાં તેમના યોગદાન પર 'સેતુબંધ'(Setubandh) નામનું એક ખાસ પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેમના જીવનના અનેક કિસ્સાઓ આલેખાયા છે.
જ્યોતિપુંજ (Jyotipunj): મોદી દ્વારા લિખિત પુસ્તક 'જ્યોતિપુંજ'માં પણ તેમણે સંઘના 16 મહાન પ્રચારકોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં વકીલ સાહેબનું સ્થાન સૌથી સર્વોપરી દર્શાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં હિન્દુત્વ અને સંગઠનનો પાયો: નીલાંજન મુખોપાધ્યાય અને એન્ડી મરીનો જેવા આંતરરાષ્ટ્રીય બાયોગ્રાફર્સે નોંધ્યું છે કે, ગુજરાતમાં ભાજપ અને સંઘની જે મજબૂત કેડર આજે જોવા મળે છે, તેનું વાસ્તવિક સિંચન ઈનામદાર અને મોદીની જોડીએ 1970-80ના દાયકામાં કર્યું હતું.








