Ambaji Bhadarvi Poonam Mela 2026: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન સાત દિવસીય ભાદરવી મહામેળા-2026ની આજે ભાદરવી પૂનમના પાવન પર્વે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. મહામેળાના અંતિમ દિવસે અંબાજી ધામમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. સવારથી જ નિજ મંદિરમાં ભક્તોની ભવ્ય ભીડ જોવા મળી રહી છે અને સમગ્ર અંબાજી પરિસરમાં 'જય અંબે' ના જયઘોષથી વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું છે. ભક્તો માથે ગરબો લઈ ઝૂમતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શિખર પર ધજારોહણ કરાયું
ભાદરવી પૂનમના પવિત્ર દિવસે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પોતાની પરંપરાગત ધજા લાવી મા અંબાના મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક રોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેળા દરમિયાન ખડેપગે સેવા આપનાર વિવિધ સરકારી વિભાગો દ્વારા પણ મંદિરે ધજાઓ અર્પણ કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી, જેની સાથે જ ભાદરવી મહામેળાની અધિકૃત પૂર્ણાહુતિની પ્રક્રિયા સંપન્ન થઈ રહી છે.
છ દિવસમાં 38.23 લાખથી વધુ ભક્તોએ શીશ નમાવ્યું
ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે 3,72,126 શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે જ છ દિવસમાં મા અંબાના દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 38,23,469 સુધી પહોંચી ગઈ છે. શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન 40 લાખથી વધુ ભક્તોના આગમનની ધારણા રાખવામાં આવી હતી. પૂર્ણાહુતિના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓનો કુલ આંકડો અંદાજે 42થી 45 લાખ સુધી પહોંચી જવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
મોહનથાળ પ્રસાદ વિતરણ અને ધજારોહણના વિક્રમી આંકડા
ભાદરવી મેળામાં આવતા માઈભક્તો માટે પ્રસાદની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદ વ્યવસ્થા અંતર્ગત છઠ્ઠા દિવસે 2,63,657 પેકેટ અને છ દિવસમાં મળીને કુલ 28.90 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન આશરે 3,927 જેટલા શ્રદ્ધાળુઓ અને પદયાત્રી સંઘો દ્વારા મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજારોહણ કરવામાં આવ્યું હતું.








