Bopal Ahmedabad Towing Van Controversy: અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રાફિક અને ટોઇંગ કામગીરીને લઈને એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓની ગેરહાજરીમાં જ ટોઇંગ વાનના ખાનગી કર્મચારીઓ રસ્તા પર વાહનોના ફોટા પાડી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક સ્થાનિક નાગરિક અને ટોઇંગ વાનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોઈ શકાય છે. વિડીયો બનાવનાર વ્યક્તિએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કે કોઈ પણ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીની હાજરી વગર ખાનગી લોકોને સામાન્ય જનતાના વાહનોના ફોટા પાડવાનો કે દંડ કરવાનો અધિકાર કોણે આપ્યો?
'સાહેબે અધિકાર આપ્યો છે' – કર્મચારીનો દાવો
આ વીડિયોમાં જ્યારે વાહનચાલકે ટોઇંગ વાનના કર્મચારીને પૂછ્યું કે, "તમને ફોટો પાડવાનો અધિકાર કોણે આપ્યો?" ત્યારે કર્મચારીએ જવાબ આપ્યો હતો કે, "મને મારા સાહેબ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજ સિંહે અધિકાર આપ્યો છે." ઓળખ કે નામ પૂછતાં તેણે બોપલ પોલીસ સ્ટેશને આવીને માહિતી લેવા જણાવ્યું હતું.
સામાન્ય જનતાને હેરાનગતિ અને ભેદભાવનો આક્ષેપ
વીડિયો બનાવનાર સામાન્ય નાગરિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બજારમાં વાહન ચાલુ હતું અને અંદર લોકો બેઠા હતા છતાં ખાનગી કર્મચારીઓ તેના ફોટા પાડી રહ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, "આસપાસ કાળા કાચ (બ્લેક ફિલ્મ) વાળી ઘણી ગાડીઓ પડી છે, પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી કે મેમો કાપવામાં આવતો નથી અને માત્ર સામાન્ય જનતાને જ હેરાન કરવામાં આવે છે."
પોલીસ સ્ટેશન પહોંચ્યા નાગરિકો
આ સમગ્ર ઘટના બાદ નાગરિકો બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) સમક્ષ રજૂઆત કરી આ મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં આ વીડિયો વાયરલ થતાં પોલીસની ટોઇંગ કામગીરી અને ખાનગી કર્મચારીઓની દાદાગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.








