Mumbai Vadodara Expressway Opening Date: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (NE-4)ના ઉદ્ઘાટનની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો માટે કામના સમાચાર આવ્યા છે. જો બધુ આયોજન મુજબ ચાલશે તો આગામી 31 ઓગસ્ટ સુધીમાં વડોદરા-મુંબઈ સેક્શન વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે. આ એક્સપ્રેસ-વે ચાલુ થવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની રોડ જર્ની ઝડપી અને સરળ બની જશે.
મુસાફરીનો સમય 8 કલાકથી ઘટીને માત્ર 4 કલાક થશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો વડોદરા-મુંબઈ હિસ્સો શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર કાપવામાં લાગતો સમય અડધો થઈ જશે. હાલમાં વડોદરાથી મુંબઈ જવામાં આશરે 7થી 8 કલાકનો સમય લાગે છે, જે ઘટીને માત્ર 4 કલાકનો થઈ જશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંકેત આપ્યા છે કે, મહારાષ્ટ્ર સરહદમાં આવતા સમગ્ર હિસ્સાને 31 ઓગસ્ટ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકવાની યોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
₹24,000 કરોડના પ્રોજેક્ટમાં 5 પેકેજ પૂર્ણ
157 કિલોમીટર લાંબો મુંબઈ-વડોદરા સેક્શન આશરે ₹24,000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. સરકારી અપડેટ્સ અનુસાર મહારાષ્ટ્રમાં આ રૂટના કુલ 7 કન્સ્ટ્રક્શન પેકેજમાંથી 5 પેકેજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ તૈયાર છે. બાકીના 2 પેકેજ પર કામ અંતિમ તબક્કા ક્ષેત્રે ચાલી રહ્યું છે. ગુજરાતમાં વડોદરાથી ભરૂચ સુધીના કેટલાક સેક્શન અગાઉથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.
1400 કિ.મી. લાંબો 8 લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દેશનો સૌથી લાંબો 8 લેન એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે છે, જે કુલ 5 રાજ્યો – હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. આ સમગ્ર એક્સપ્રેસ-વે પૂર્ણ રીતે કાર્યરત થયા બાદ દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ માત્ર 12 કલાકમાં પૂરો કરી શકાશે. તે દિલ્હી-એનસીઆર, અમદાવાદ, વડોદરા, સુરતના ઔદ્યોગિક હબને જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સાથે સીધું જોડશે.
બુલેટ ટ્રેન અને લોજિસ્ટિક્સ પર અસર
બુલેટ ટ્રેન પહેલાં કનેક્ટિવિટી: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં આ હાઈ-સ્પીડ રોડ કનેક્ટિવિટી દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેના વેપાર-ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
ઈંધણ અને સમયની બચત: આધુનિક એક્સપ્રેસ-વે અને અદ્યતન ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS)ને કારણે વાહનોના ઈંધણનો વપરાશ ઘટશે અને ટ્રાફિકજામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
NHAIની સત્તાવાર જાહેરાતની રાહ: જોકે, સમગ્ર હિસ્સાના લોકાર્પણ અંગે નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આખરી તારીખની સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે.








