Mobile tower fire news surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આજે અચાનક બનેલી ઘટનાએ શહેરમાં અફરા-તફરીનો માહોલ સર્જી દીધો હતો. શહેરની મધ્યમાં આવેલી સરકારી હોસ્પિટલ નજીક આવેલ ખાનગી મોબાઈલ કંપનીના મોબાઈલ ટાવરમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટના થતાં જ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડી સરકારી હોસ્પિટલ પાસે આવેલ મોબાઈલ ટાવર શહેરના રહેણાંક વિસ્તારમાં આવેલો હોવાથી આગ લાગતાની સાથે જ લોકો પોતાના ઘર અને દુકાનોથી બહાર નીકળી આવ્યા હતા. ટાવરમાં આગ લાગ્યાની ખબર ફેલાતાં જ સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ પોતાના મોબાઈલમાં ઘટનાના દ્રશ્યો કેદ કર્યા હતા, જ્યારે કેટલાક જાગૃત નાગરિકોએ તાત્કાલિક પાલિકાની ફાયર ફાઇટર ટીમને જાણ કરી હતી.
ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
આગ લાગતાની સાથે જ આસપાસની વીજ પુરવઠાની લાઈનોને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી. જોકે, સમયસર માહિતી મળતા લીંબડી નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. થોડી જ વારમાં આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળ્યું હતું.
આગ લગવાનું કારણ
પ્રાથમિક તપાસમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે, મોબાઈલ ટાવરના ઈલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોઈ શકે છે. ટાવરમાં લાગેલા બેટરી યુનિટ અને વાયરિંગમાં આગ ફેલાઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ માટે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી
આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે શહેર માટે રાહતની વાત ગણાય છે. તેમ છતાં, મોબાઈલ ટાવરના કેટલાક ઉપકરણોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે મોબાઈલ નેટવર્કમાં ખલેલ પહોંચી હતી.
ટાવરોની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો
સ્થાનિક નાગરિકોએ શહેરના રહેણાંક વિસ્તારમાં આવેલ આવા ટાવરોની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મોબાઈલ ટાવરોની નિયમિત ચકાસણી અને યોગ્ય સુરક્ષા પગલાં જરૂરી છે. નગરપાલિકા તથા સંબંધિત કંપનીના અધિકારીઓ દ્વારા ઘટનાની નોંધ લેવામાં આવી છે અને આગ લાગવાના કારણોની વિગતવાર તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે.








