Mehsana News: મહેસાણાના મોટીડાઉ નજીક આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. ધોરણ-૮માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા સોટી વડે માર મારવામાં આવતા તેને શારીરિક ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને થતાં તેઓએ ગંભીરતાથી નોંધ લીધી હતી અને પુત્રને તાત્કાલિક સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર મામલે વાલીએ શિક્ષક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ બાદ શિક્ષક નિલ પટેલની કસ્ટડીમાં
શારીરિક સજાની આ ગંભીર ઘટના અંગે વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે શાળાના શિક્ષક નિલ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. મહેસાણા DYSPના જણાવ્યા મુજબ, આ મામલે શિક્ષક નિલ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની પૂછપરછની કાર્યવાહી ચાલી રહી છે.
ટેસ્ટ બાદ મજાક-મસ્તી મામલે શિક્ષકે પિત્તો ગુમાવ્યો
વિદ્યાર્થીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટેસ્ટ પૂરો થયા બાદ ધોરણ ૮ના વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક-મસ્તી કરી રહ્યા હતા. આ મજાક-મસ્તી શિક્ષક નિલ પટેલના કાને પડતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઊભા રાખીને ધમકાવ્યા હતા અને વિદ્યાર્થી સ્કૂલમાં ગયો તે દરમિયાન તેને લાકડાની સોટી વડે માર માર્યો હતો.
સ્કૂલ છૂટ્યા બાદ ફરીથી માર મારતા ગંભીર ઇજા
માર માર્યા બાદ શિક્ષકે વિદ્યાર્થીને સ્કૂલમાં બેસાડ્યો હતો. પરંતુ વાત અહીં પૂરી નહોતી થઈ. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્કૂલ છૂટવાના સમયે શિક્ષકે ફરી એકવાર તે જ વિદ્યાર્થીને નિશાન બનાવ્યો હતો અને તેના સાથળના ભાગે સોટી મારીને ઇજા પહોંચાડી હતી. ઘરે જઈને વિદ્યાર્થીએ પોતાના માતા-પિતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ દુખાવો વધતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.
આચાર્યએ શિક્ષકના કૃત્યને 'અપરિપક્વતા' ગણાવ્યું
આ સમગ્ર સંવેદનશીલ ઘટના અંગે શાળાના આચાર્ય ગોવિંદભાઈ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે સરકારની ગાઇડલાઇન્સનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને કોઈપણ સંજોગોમાં શારીરિક સજા કરી શકાય નહીં. તેમણે શિક્ષકના આ કૃત્યને વખોડી કાઢતા કહ્યું કે, વિદ્યાર્થીને માર મારવો એ શિક્ષકની ‘પરિપક્વતા નથી’ તે સાબિત કરે છે. વહીવટી સ્તરે શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે
આ શરમજનક ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવી તે નિયમ વિરુદ્ધ છે. DEOએ જણાવ્યું છે કે, આ બાબતે શાળામાં તાત્કાલિક એક ટીમ મોકલીને તપાસ કરવામાં આવશે અને જો શિક્ષક કે અન્ય કોઈ જવાબદાર જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.








