Junagadh demolition drive Sardar Darwaza: જૂનાગઢ શહેરના સરદાર દરવાજા નજીક અને ઐતિહાસિક મોહબ્બત મકબરા પાછળ આવેલા બુગદા વિસ્તારમાં વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા 10થી 15 વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા અગાઉ તમામ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારથી જ મહાનગરપાલિકાનો સ્ટાફ, પોલીસ બંદોબસ્ત, ફાયર વિભાગ, વીજ કંપની (PGVCL) અને મહેસૂલ વિભાગની ટીમોના સંયુક્ત ઉપક્રમે ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી. આ સઘન ઝુંબેશમાં કુલ 22 જેટલા કાચા-પક્કા મકાનો અને ગેરકાયદે બાંધકામો તોડી પાડીને 1425 ચોરસ મીટર જેટલી કીમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત ₹6 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.
ગરીબોના મકાનો તૂટતા રાજકારણ ગરમાયું
આ ડિમોલિશનની કાર્યવાહી બાદ જૂનાગઢનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષના કોર્પોરેટરોએ વહીવટી તંત્ર સામે બેવડા ધોરણો અપનાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. NCPના કોર્પોરેટર અદ્રેમાન પંજાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા અને મામલતદાર તંત્ર દ્વારા બુગદા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોએ સામાન ખસેડવા માટે માત્ર 5 દિવસની મુદત માંગી હતી પરંતુ, મામલતદાર બારિયાએ માનવતા દાખવ્યા વિના મુદત આપવાનો ઇનકાર કરીને ગરીબોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
‘મોટા માથાઓ અને હોટલ સંચાલકોના દબાણ કેમ દેખાતા નથી?’
કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, આ જ બુગદા વિસ્તારની અંદર બે-ત્રણ મોટી હોટલો અને વગદાર વેપારીઓએ દીવાલ તોડીને 13થી 14 ફૂટ અંદર સુધી ગેરકાયદેસર દબાણ કર્યું છે, પરંતુ અધિકારીઓએ તે સ્થળની મુલાકાત લેવાનું પણ ટાળ્યું છે. વિપક્ષે સ્પષ્ટ માંગ કરી હતી કે પહેલા મોટા માથાઓ અને વગદારોના દબાણો હટાવવા જોઈએ અને ગરીબ પરિવારોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપવી જોઈએ. આ મામલે SDMને રૂબરૂ રજૂઆત કરાતા તેમણે સ્થળ મુલાકાત લઈ તપાસની ખાતરી આપી છે. વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 8 દિવસમાં વગદારોના ગેરકાયદે બાંધકામો નહીં હટાવાય તો ન્યાય માટે અદાલતના દરવાજા ખખડાવવામાં આવશે.
તપાસના આદેશ અપાયા છે, કોઈપણ ગેરકાયદે દબાણ સાંખી નહીં લેવાય: પ્રાંત અધિકારી
વિપક્ષ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા પક્ષપાતના આક્ષેપો અંગે જૂનાગઢના પ્રાંત અધિકારી વૃશાલી કામલેએ સત્તાવાર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મોહબ્બત મકબરા પાછળ આવેલી સરકારી જમીન પર વર્ષોથી થયેલા દબાણો નિયમાનુસાર દૂર કરવામાં આવ્યા છે. આસપાસની હોટલો કે અન્ય વ્યાપારી એકમો દ્વારા થયેલા દબાણો અંગે પણ તંત્ર ગંભીર છે. મામલતદારને તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારની ઊંડાણપૂર્વક માપણી અને તપાસ કરવા સૂચના આપી દેવાઈ છે. જો ત્યાં કોઈ પણ પ્રકારનું બિનકાયદેસર બાંધકામ સાબિત થશે, તો કોઈ પણ શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરીને તે દબાણ પણ વહેલી તકે દૂર કરવામાં આવશે.
વિશેષ અને વધારાની માહિતી
ઐતિહાસિક સ્મારકની જાળવણી: જૂનાગઢનો મોહબ્બત મકબરો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ સંરક્ષિત ઐતિહાસિક સ્મારક છે. તેની આસપાસના વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામો અને દબાણોને કારણે સ્મારકની ભવ્યતા અને ટ્રાફિક વ્યવસ્થા પર માઠી અસર પડી રહી હતી, જેથી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ તેજ કરાઈ છે.
સરકારી જમીન ખુલ્લી કરવાની ઝુંબેશ: રાજ્ય સરકારના આદેશ અનુસાર જૂનાગઢ શહેર અને જિલ્લામાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી ખરાબાની તથા ગૌચરની જમીનો પરથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓનો કબજો હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.








