Surat News: ગુજરાતની આર્થિક રાજધાની સુરતની ક્રાઈમ બ્રાન્ચે એક એવા આંતરરાજ્ય ગુનેગારને દબોચી લીધો છે, જે છેલ્લા બે દાયકાથી ભારતભરની પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યો હતો. મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત કુખ્યાત ‘ઈરાની ડેરા’ના માસ્ટરમાઇન્ડ અને આંતરરાજ્ય ગેંગના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને સુરતના લાલગેટ વિસ્તારમાંથી એક અત્યંત ગુપ્ત અને સફળ ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે જ દેશના 14 રાજ્યોમાં ફેલાયેલા ગુનાખોરીના એક મજબૂત નેટવર્કની કમર તૂટી ગઈ છે.
સુરતને ટાર્ગેટ બનાવવાના પ્લાન સાથે આવ્યો અને શિકાર બન્યો
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને સચોટ બાતમી મળી હતી કે ભોપાલનો રહેવાસી અને ‘ઈરાની ડેરા’ ગેંગનો મુખ્ય સૂત્રધાર આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની સુરતમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે લાલગેટ વિસ્તારમાં છુપાયો છે. આ બાતમી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જાળ બિછાવી અને કોઈ પણ પ્રકારના ગોળીબાર વગર આ ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારને દબોચી લીધો હતો. ભોપાલમાં તે 'રહેમાન ડકેત' તરીકે ઓળખાય છે અને છેલ્લા 14 વર્ષથી ભોપાલની અમન નગર સોસાયટીમાં રહીને પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો.
14 રાજ્યોમાં નેટવર્ક અને 'ડોન' જેવું વૈભવી જીવન
રાજુ ઈરાની માત્ર એક સામાન્ય ચોર નથી, પરંતુ તે એક ‘ગેંગ લોર્ડ’ છે જે છ અલગ-અલગ પેટા-ગેંગોનું સંચાલન કરતો હતો. તેનું નેટવર્ક ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત કુલ 14 રાજ્યોમાં ફેલાયેલું છે. લૂંટ અને છેતરપિંડીના નાણાંથી રાજુ અને તેનો ભાઈ ઝાકીર અલી અત્યંત વૈભવી જીવન જીવે છે. આ આરોપીઓને લક્ઝરી કારોના કાફલા રાખવાનો, મોંઘી સ્પોર્ટ્સ બાઈક ચલાવવાનો અને અરબી ઘોડા પાળવાનો ભારે શોખ છે. તેઓ ઈરાની ડેરામાં એક ડોન જેવો મોભો ધરાવતા હતા અને આર્થિક રીતે અત્યંત સધ્ધર હતા.
નકલી CBI ઓફિસર અને સાધુનો વેશ: ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી
આ ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ચતુરાઈભરી છે. રાજુ તેની ગેંગના સભ્યોને હિન્દીમાં પોલીસ જેવો પ્રભાવ કેવી રીતે પાડવો તેની ખાસ ટ્રેનિંગ આપતો હતો. તેમની લૂંટની રીત આ મુજબ હતી:
નકલી અધિકારી: ગેંગના સભ્યો સફારી સૂટ પહેરીને વૃદ્ધો અને એકલા જતા નાગરિકોને અટકાવતા. તેઓ પોતાને CBI કે ઉચ્ચ પોલીસ અધિકારી ઓળખાવી કહેતા કે, "આગળ લૂંટફાટ થઈ છે, તમે આટલા દાગીના પહેરીને કેમ ફરો છો?" ત્યારબાદ ઘરેણાં ઉતરાવી રૂમાલમાં લપેટીને આપવાના બહાને નજર ચૂકવી અસલી દાગીના ચોરી લેતા હતા.
ખંજવાળનું કેમિકલ: બેંક કે જ્વેલરી શો-રૂમની બહાર વોચ રાખીને, કિંમતી સામાન લઈને નીકળતી વ્યક્તિના કપડાં પર ગંદકી અથવા ખંજવાળ આવે તેવું કેમિકલ ફેંકતા. વ્યક્તિનું ધ્યાન ભટકાય એટલે સેકન્ડોમાં સામાન લઈને ગાયબ થઈ જતા.
સાધુ-બાવાનો વેશ: જ્યોતિષ કે વિધિના નામે ઘરોમાં પ્રવેશ કરી ‘સોનું શુદ્ધ કરી આપવાની’ લાલચ આપીને લોકોની આજીવન મૂડી લૂંટી લેતા હતા.
ગુનાખોરીનો કાળો ઈતિહાસ અને MCOCA
રાજુ ઈરાની સામેનો ગુનાહિત ઇતિહાસ વર્ષ 2006થી શરૂ થાય છે. તેની સામે ભોપાલ, દિલ્હી, ગુરુગ્રામ, કલકત્તા અને મહારાષ્ટ્રમાં અસંખ્ય કેસો નોંધાયેલા છે. તેની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એકવાર તેમની બાતમી આપનાર વ્યક્તિને તેના જ ઘરમાં પૂરીને આખી ગેંગે ઘર સળગાવી દીધું હતું. મહારાષ્ટ્રમાં તેની સક્રિયતાને કારણે થાણે પોલીસે તેની સામે ‘મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ (MCOCA) હેઠળ ગુનો નોંધ્યો હતો. તે હરિયાણામાં લૂંટ, યુપીમાં છેતરપિંડી અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પણ વોન્ટેડ છે.
કોર્પોરેટ સ્ટાઈલ મેનેજમેન્ટ અને મહિલાઓની ઢાલ
રાજુ ઈરાની તેની ગેંગને એક કોર્પોરેટ લીડરની જેમ ચલાવતો હતો. જો ગેંગનો કોઈ સભ્ય પકડાય, તો તેના વકીલનો ખર્ચ, જામીનની પ્રક્રિયા અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી રાજુ ઉપાડતો હતો. બદલામાં દરેક લૂંટમાં તેનો મોટો હિસ્સો રહેતો.
ગેંગની સ્ટાન્ડર્ડ મોડસ ઓપરેન્ડી
જ્યારે પણ કોઈ રાજ્યની પોલીસ ઈરાની ડેરામાં દરોડા પાડવા જાય, ત્યારે આ ગેંગની સ્ટાન્ડર્ડ મોડસ ઓપરેન્ડી પોલીસ પર પથ્થરમારો કરવાની અને ઘરની મહિલાઓ તથા બાળકોને ઢાલ બનાવીને આગળ કરવાની રહેતી. ડિસેમ્બર 2025માં ભોપાલ પોલીસે 150 જવાનો સાથે દરોડા પાડ્યા ત્યારે પણ રાજુ આ જ રીતે મહિલાઓને આગળ કરી છટકી ગયો હતો. જોકે, સુરત પોલીસની સજાગતાને કારણે આ વખતે તેની કોઈ ચાલબાજી કામ આવી નહોતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની આ સફળતાથી હવે દેશભરના અનેક વણઉકેલાયેલા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસ હવે રાજુની વધુ પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરિતો અને છુપાયેલા મુદ્દામાલની માહિતી મળી શકે.








