Massive fire in Manekchowk Ahmedabad: અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગેસ સિલિન્ડર ફાટતાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ બાદ અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ વધુ ફેલાય તે પહેલાં સ્થાનિકો અને તંત્રની સતર્કતાથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.
ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ઘાંચીની પોળમાં ધાબા ઉપર રાખવામાં આવેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. માણેકચોકની સાંકડી શેરી તરફ જતા માર્ગ પર આ ઘટના બની હોવાથી ફાયર ટીમે ઝડપી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.
આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો
ફાયર બ્રિગેડની સાથે પોલીસની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને ટીમોની ત્વરિત કામગીરીને કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોમર્શિયલ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સમયસર ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગેલી આગના પગલે ઘટનાસ્થળે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી પણ રાખવામાં આવી હતી.








