Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક મોટી ઘટના સામે આવી છે. મહુવાના હરીપરા રોડ પર આવેલા એક જાણીતા ડીહાઈડ્રેશન કારખાનાના પરિસરમાં જ ચાલતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પર ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસની જાણ બહાર આટલું મોટું નેટવર્ક ચાલતું હોવાથી હવે મહુવા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે.
ડીહાઈડ્રેશન પ્લાન્ટની આડમાં કાળો કારોબાર
મળતી વિગતો મુજબ, મહુવાના હરીપરા રોડ પર એક ડીહાઇડ્રેશન પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટના પાછળના ભાગમાં આવેલી એક રૂમમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ દારૂનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ડુંગળી પીલવાના કારખાનાની દુર્ગંધ અને સતત ચાલતી હલચલનો ફાયદો ઉઠાવીને આરોપીઓ અહીં દારૂ બનાવવાનું કેમિકલ મિશ્રણ કરી જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચાણ કરતા હતા.
પેરોલ ફર્લો સ્કવોડનો સફળ દરોડો
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે જ્યારે પ્લાન્ટના પાછળના ભાગે દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યાં મોટી માત્રામાં વિવિધ નામી બ્રાન્ડની ખાલી બોટલો, નકલી લેબલ્સ, બૂચ અને દારૂ બનાવવા માટે વપરાતું મટીરીયલ મળી આવ્યું હતું. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાના કેમિકલનો ઉપયોગ કરીને બ્રાન્ડેડ દારૂ જેવો જ દેખાતો નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતો.
સ્થાનિક પોલીસની ભૂમિકા સામે સવાલો
આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ મહુવા પોલીસ પર ઉઠી રહ્યો છે. જે વિસ્તારમાં ડીહાઈડ્રેશનના આટલા મોટા એકમો આવેલા છે, ત્યાં સતત પોલીસનું પેટ્રોલિંગ હોવું જોઈએ. તેમ છતાં, સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને છેક ભાવનગરની ટીમે આવીને આ ફેક્ટરી પકડી પાડી, તે બાબત મહુવા પોલીસની નિષ્ફળતા અથવા મિલીભગત તરફ ઈશારો કરે છે. સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા છે કે પોલીસની રહેમનજર હેઠળ જ આવો ગેરકાયદેસર વ્યવસાય ફૂલ્યોફાલ્યો હોઈ શકે છે.
છ આરોપીઓની ધરપકડ અને તપાસનો ધમધમાટ
પોલીસે આ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી કુલ છ શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓ દારૂ બનાવવાની પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલા હતા. પોલીસે ઘટનાસ્થળેથી દારૂ બનાવવાનું રો-મટીરીયલ અને તૈયાર બોટલોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. હાલમાં આ તમામ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.
કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ
આ ફેક્ટરીનો માલિક કોણ છે? આ નકલી દારૂ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો? અને શું આમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે? તે દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. મહુવામાં આટલી મોટી કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.








