Ahmedabad Crime: અમદાવાદના ચાંદલોડિયા-ગોતા વિસ્તારમાં એક મોટો નાણાકીય છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગ્રેનાઈટ અને માર્બલનો બિઝનેસ કરતા વેપારી દંપતી સાથે તેમના જ વિશ્વાસુ કમિશન એજન્ટે ₹47.28 લાખથી વધુની ઠગાઈ આચરી છે. મૂળ જગતપુર વિસ્તારમાં રહેતા મેઘાબેન અને તેમના પતિ રાહુલ અગ્રવાલ ગોતા ખાતે 'હિમાલયા ગ્રેનાઈટ' નામથી માર્બલ અને સ્ટોનનો વ્યવસાય ચલાવે છે. જાન્યુઆરી 2025માં તેમની મુલાકાત જય કાર્તિકભાઈ રાવલ નામના વ્યક્તિ સાથે થઈ હતી, જેણે કમિશનના ધોરણે મોટી પાર્ટીઓ પાસેથી બિઝનેસ અપાવવાની ખાતરી આપી હતી.
મોટો ઓર્ડર અપાવી વેપારીનો જીત્યો વિશ્વાસ
મુલાકાત બાદ આરોપી જય રાવલે દંપતીને 'ડી.એન.એમ. ઇન્ટીરીયર' નામની ફર્મ પાસેથી ટાઈલ્સ અને ગ્રેનાઈટ સપ્લાય કરવાનો મોટો ઓર્ડર અપાવ્યો હતો. એપ્રિલ 2025થી જૂન 2026 દરમિયાન હિમાલયા ગ્રેનાઈટ દ્વારા આ ફર્મને લાખો રૂપિયાનો માલસામાન સપ્લાય કરવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કે વેપારી દંપતી દ્વારા જય રાવલને નક્કી કર્યા મુજબનું કમિશન પણ નિયમિત ચૂકવવામાં આવતું હતું, જેના કારણે દંપતીનો જય પર અંધ વિશ્વાસ બેસી ગયો હતો.
દંપતીના કૌટુંબિક પ્રસંગ અને દુઃખનો ઉઠાવ્યો ગેરલાભ
જ્યારે ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસે માલ સપ્લાયના નાણાં બાકી નીકળતા હતા, તે જ ગાળામાં વેપારી દંપતીના પરિવારમાં એક દુઃખદ ઘટના બની હતી. પરિવારમાં સ્વજનનું અવસાન થતાં અને અન્ય કૌટુંબિક કારણોસર દંપતી પોતાના ધંધા-રોજગાર પર પૂરેપૂરું ધ્યાન આપી શક્યું નહોતું. આ જ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કમિશન એજન્ટ જય રાવલે દંપતીની ગેરહાજરીમાં મોટું નાણાકીય કૌભાંડ રચવાની યોજના બનાવી લીધી હતી.
નકલી (ડમી) કંપની બનાવી પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા
આરોપી જય રાવલે વેપારી દંપતીની મૂળ કંપની 'હિમાલયા ગ્રેનાઈટ'ના નામ સાથે તદ્દન મળતું આવતું નામ રાખીને એક ડમી કંપની ઊભી કરી દીધી હતી. ત્યારબાદ તેણે ગ્રાહક (ડી.એન.એમ. ઇન્ટીરીયર)નો સંપર્ક કરીને પોતે જ હિમાલયા ગ્રેનાઈટનો મુખ્ય ભાગીદાર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે ચતુરાઈથી બાકી નીકળતી ₹47,28,596 ની માતબર રકમ પોતાની બનાવેલી ડમી કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
હિસાબ મિલાવતી વખતે કૌભાંડનો પર્દાફાશ, સોલા પોલીસ મથકે ફરિયાદ
જ્યારે વેપારી દંપતીએ પોતાના ધંધાના હિસાબોની ચકાસણી કરી અને ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસે બાકી નીકળતા નાણાં અંગે પૂછપરછ કરી, ત્યારે આ સમગ્ર છેતરપિંડીનો ખુલાસો થયો હતો. પાર્ટી તરફથી જાણવા મળ્યું હતું કે તમામ નાણાં તો જય રાવલ દ્વારા બતાવાયેલા ખાતામાં ચૂકવી દેવાયા છે. પોતાની સાથે ₹47.28 લાખથી વધુની ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડતાં જ દંપતીએ સોલા પોલીસ મથકમાં આરોપી જય રાવલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ દાખલ કરી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.








