Love jihad in Ahemdabad: અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં કથિત 'લવ જેહાદ' સંબંધિત ઘટનાઓમાં વધારો નોંધાતા કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોક્સો, છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવા ગંભીર ગુનાઓ હેઠળ અનેક ફરિયાદો નોંધાઈ છે, જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાસણા વિસ્તારમાં નોંધાયેલા એક કેસમાં, ત્રણ યુવકો-આમીરઅલી શેખ, મોહમ્મદ સિરાજ સલમાની અને સલીમ (નામ બદલેલ)-સગીર કિશોરીને ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવવાનો આરોપ છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ કિશોરીને હોટલમાં લઈ જવા માટે નકલી આધારકાર્ડ બનાવડાવ્યું હતું, જેમાં ખોટી ઉંમર અને નામ દર્શાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે પોક્સો તથા છેતરપિંડી હેઠળ અલગ-અલગ ગુનાઓ દાખલ કરી ત્રણેય આરોપીઓને ધરપકડ કરી છે.
નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા
આ કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રિવરફ્રન્ટ વિસ્તારમાં કેટલાક યુવક-યુવતીઓ શંકાસ્પદ પરિસ્થિતિમાં જોવા મળ્યા. પૂછપરછ દરમિયાન ઓળખમાં ગેરસમજ ઉભી થતાં વધુ તપાસ હાથ ધરાઈ હતી. બાદમાં સામે આવ્યું કે સંબંધિત યુવતીઓની ઉંમર 16થી 17 વર્ષ વચ્ચે હતી, જ્યારે યુવકો 25 વર્ષથી વધુ ઉંમરના હતા. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે આરોપીઓએ 'હોનિસ્ટા' નામની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. હોટલોમાં સગીરાઓને પ્રવેશ ન મળતો હોવાથી આ નકલી ઓળખનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલે કુલ પાંચ લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોક્સો અને બ્લેકમેલિંગ હેઠળ ગુનો નોંધાયો
બીજી તરફ, શહેરના સોલા વિસ્તારમાં પણ સમાન પ્રકારનો એક કેસ નોંધાયો છે, જેમાં સગીર યુવતીને તેના ઓળખીતાએ અંગત ફોટા અને વીડિયો દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ છે. આરોપી યુવક યુવતીને ધમકાવી અને માનસિક રીતે હેરાન કરતો હતો. આખરે યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકોની મદદથી આરોપીને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ મામલે પણ પોક્સો અને બ્લેકમેલિંગ હેઠળ ગુનો નોંધાયો છે. આ બંને ઘટનાઓ બાદ શહેરમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી છે અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ, નાગરિકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.








