LNG Train Launch: પર્યાવરણની જાળવણી અને ઇંધણ ખર્ચમાં ઘટાડો કરવાના ઉમદા હેતુ સાથે ભારતીય રેલવેએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશની સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પર ચાલતી ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે અને તે અમદાવાદના આંગણે આવી પહોંચી છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેન માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ 'ગ્રીન એનર્જી'ના ક્ષેત્રમાં પણ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
એક ટાંકીમાં 2200 કિમીની સફર અને ત્રણ ગણો ફાયદો
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ LNG ફ્યૂઅલ સિસ્ટમ ડીઝલ એન્જિનની તુલનામાં ત્રણ ગણો વધુ ફાયદો આપે છે. આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે એકવાર ટાંકી ફુલ કરાવ્યા બાદ તે સતત 2200 કિલોમીટર સુધીનું લાંબું અંતર કાપી શકે છે. આ ક્ષમતાને કારણે લાંબા અંતરની મુસાફરીમાં વારંવાર ઇંધણ ભરવાની જરૂરિયાત રહેશે નહીં. આ પ્રોજેક્ટ હેઠળ 1400 હોર્સપાવર ક્ષમતા ધરાવતી ટ્રેનોને LNG સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવી છે.
ખર્ચમાં લાખોની બચત અને પ્રદૂષણમાં કડાકો
ડીઝલના વધતા ભાવ વચ્ચે LNG એક સસ્તો અને અસરકારક વિકલ્પ બની રહ્યો છે. રેલવેના અંદાજ મુજબ, એક DPC (ડિસ્ટ્રિબ્યુટેડ પાવર કન્ટ્રોલ) ટ્રેનમાં વાર્ષિક આશરે ₹11.9 લાખની બચત થશે. 8 કોચની DEMU ટ્રેનમાં આ બચતનો આંકડો વાર્ષિક ₹23.9 લાખ સુધી પહોંચી શકે છે. આર્થિક ફાયદાની સાથે પર્યાવરણને પણ મોટો લાભ મળશે. LNG ના વપરાશથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધૂળકણ જેવા હાનિકારક તત્વોના ઉત્સર્જનમાં ભારે ઘટાડો થાય છે, જેનાથી રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
મહેસાણા-સાબરમતી સેક્શનમાં સફળ પરીક્ષણ
હાલમાં આ પ્રોજેક્ટના પ્રાયોગિક પરીક્ષણો ગુજરાતના મહેસાણા અને સાબરમતી સેક્શનમાં ચાલી રહ્યા છે. આ ટ્રેનો અત્યાર સુધીમાં 2000 કિલોમીટરથી વધુનું અંતર સફળતાપૂર્વક કાપી ચૂકી છે. રેલવે વિભાગ આગામી સમયમાં આ જ સેક્શનની વધુ 8 થી 10 ટ્રેનોમાં આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
વિશ્વસનીયતા અને ભવિષ્યનું આયોજન
ખાસ વાત એ છે કે LNG ઇંધણ અપનાવવા છતાં એન્જિનની શક્તિ કે પાવરમાં કોઈ જ ઘટાડો થયો નથી. તેની કાર્યક્ષમતા ડીઝલ એન્જિન જેવી જ મજબૂત રહે છે. તમામ સુરક્ષા પરીક્ષણો અને મંજૂરીઓ બાદ, ભારતીય રેલવે આ ટેકનોલોજીને સમગ્ર દેશમાં વિસ્તારી શકે છે. સ્વચ્છ ઊર્જા અને કિફાયતી સંચાલન તરફનું આ પગલું ભારતને વૈશ્વિક રેલવે ટેકનોલોજીમાં એક ડગલું આગળ લઈ જશે.








