Liones Dies Junagadh: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ નજીક આજે વહેલી સવારે કરુણ ઘટના બની, વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારથી રેસ્ક્યૂ કરાયેલી સિંહણનું માત્ર ત્રણ કલાક બાદ કેનાલમાં ડૂબી જવાથી મોત થયું. કેનાલમાં ઘાસ અને વેલ વધુ હોવાથી સિંહણનો પગ ફસાઈ ગયો હતો, જેનાથી તે પાણીમાંથી બહાર આવી શકી નહીં. વન અધિકારી ગુલાબબેન સુહાગીયાના જણાવ્યા મુજબ, સવારે લગભગ 5 વાગ્યે સિંહણ દિવાસા ગામના મકાનમાં ઘૂસી આવતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો. સરપંચે વન વિભાગને જાણ કરતાં ટીમે તાત્કાલિક પહોંચીને દરવાજો તોડી સફળતાપૂર્વક સિંહણને રેસ્ક્યૂ કરી જંગલ તરફ છોડી મૂકી હતી.
સિંહણની ઉંમર અંદાજે 3 થી 5 વર્ષ
પરંતુ સવારે 8 વાગ્યે જ ગામથી 5-6 કિલોમીટર દૂર આવેલી કેનાલમાં સિંહણ ફસાઈ ગયાની જાણ થઈ. વન વિભાગે રેસ્ક્યૂ પ્રયાસો કર્યા છતાં ઘાસ અને વેલમાં પગ ફસાઈ જતા સિંહણ ઊંધી થઈ ગઈ અને પાણી પી જતા તેનું મોત થયું. સિંહણની ઉંમર અંદાજે 3 થી 5 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ વન્યજીવ સંરક્ષણ અને માનવ વસાહતોની નજીક રહેતા સિંહોના વધતા જોખમ પર ફરી પ્રકાશ પાડ્યો છે. વન વિભાગે મૃતદેહને અમરાપુર કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે તેમજ વિસેરા ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલાયા છે. સિંહણના મોતના ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.








