Kutch Road Accident: કચ્છના ખાવડા નજીક RE પાર્ક તરફ જવાના માર્ગ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈ જઈ રહેલી પિકઅપને સામેથી આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતાં પિકઅપમાં સવાર 7 શ્રમિકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અન્ય શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પિકઅપમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 15થી વધુ શ્રમિકોને લઈને પિકઅપ RE પાર્ક તરફ જઈ રહી હતી. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે પિકઅપને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં 7 શ્રમિકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
અકસ્માની જાણ થતાં પોલીસ કાફલો અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રકચાલક સામે કાર્યવાહી
આ અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ, પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને ઈજાગ્રસ્તોની હાલત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.








