Kodinar Minor Girls Case: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓ ગુમ થયા બાદ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાંથી મળી આવી છે. આ મામલે બંને સગીરાઓને ધર્મપરિવર્તન કરાવવા, નામ બદલાવવા, બુરખો પહેરાવવા અને એક સગીરાના 16 વર્ષના કિશોર સાથે લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યાના આક્ષેપો સામે આવ્યા છે. કોડીનાર પોલીસે આ કેસમાં દરગાહના મૌલવી સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. મહિલા પોલીસ દ્વારા બંને સગીરાઓનું કાઉન્સેલિંગ અને પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
CCTV તપાસ બાદ ઉનાવાની દરગાહમાંથી મળી આવી સગીરાઓ
કોડીનારમાં બે સગીરાઓ ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યાં હતાં. આ તપાસમાં બંને સગીરાઓનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ મળ્યું હતું. ત્યારબાદ કોડીનાર પોલીસની ટીમ ઉનાવા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહમાંથી બંને સગીરાઓને શોધી કાઢી હતી. બંને બુરખો પહેરેલી હાલતમાં મળી આવી હોવાનું જણાવાયું છે. પોલીસે તેમનો કબજો મેળવી મહિલા પોલીસની મદદથી કોડીનાર પરત લાવી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન નામ બદલવા અને ધર્મપરિવર્તનના આક્ષેપ
કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસ દ્વારા બંને સગીરાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે તેમને ઉનાવા લઈ જવા, બુરખો પહેરાવવા અને નામ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સગીરાઓના જણાવ્યા મુજબ, તેમની સાથે ધર્મપરિવર્તન સંબંધિત વિધિઓ કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી હોવાનું જણાવાયું છે.
એક સગીરાનું નામ બદલી ‘કાજી નાયરા’ રાખ્યુ
આ કેસને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ RSSના આગેવાન જીગ્નેશભાઈ પરમાર સમક્ષ ઘટનાક્રમની વિગતો જણાવી છે. સગીરાના દાવા પ્રમાણે, તેની બહેનપણીનું હિન્દુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. બંનેને ઉનાવાની મીરા દાતાર દરગાહમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી. આ દરમિયાન તેમને બુરખો પહેરાવવામાં આવ્યો હતો અને કલમા પઢાવવામાં આવ્યાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોડીનારથી વેરાવળ અને ગાંધીનગર થઈ ઉનાવા પહોંચ્યાં
સગીરાએ વીડિયોમાં જણાવ્યા મુજબ, શરૂઆતમાં બંનેમાંથી એક સગીરાના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે જવામાં આવ્યું હતું. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેને વેરાવળ જવા અને ત્યાંથી ગાંધીનગર પહોંચવા માટે જણાવાયું હતું. સગીરાના જણાવ્યા પ્રમાણે, બંને વેરાવળથી ટ્રેનના જનરલ ડબ્બામાં ટિકિટ વગર મુસાફરી કરીને ગાંધીનગર પહોંચ્યાં હતાં. ત્યાંથી તેની માતાને ફોન કરવામાં આવ્યો હતો. માતાએ એક દુકાનદારને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા બાદ દુકાનદારે રોકડા ₹1,000 આપ્યા હતા. ત્યારબાદ બંનેએ ટિકિટ લઈને ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી.
ઉનાવા સ્ટેશનથી રિક્ષામાં દરગાહ લઈ જવાયાં
સગીરાના આક્ષેપ મુજબ, ઉનાવા રેલવે સ્ટેશન પર એક યુવક રિક્ષા લઈને તેમને લેવા આવ્યો હતો. ત્યારબાદ બંનેને મીરા દાતાર દરગાહ લઈ જવામાં આવી હતી. ત્યાં ચાદર સહિતની વસ્તુઓ લાવવામાં આવી હતી અને દિવસ દરમિયાન દરગાહમાં બેસવા તથા સાંજે બહાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સગીરાએ વધુમાં દાવો કર્યો હતો કે ધોરાજીના એક યુવકે બંનેના મોબાઇલ ફોનમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હતાં, જેથી પરિવારજનો તેમનું લોકેશન શોધી ન શકે. પોતાનું નામ બદલવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ સગીરાએ કર્યો છે.
16 વર્ષના કિશોર સાથે લગ્ન કરાવવાનો પણ આક્ષેપ
આ કેસમાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે એક સગીરાને 16 વર્ષના કિશોર સાથે લગ્ન કરવા અને ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સગીરાએ પૂછપરછ દરમિયાન આ અંગે પણ વિગતો આપી હોવાનું જણાવાયું છે. જોકે, આ તમામ બાબતો હાલ સગીરાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસ તપાસનો વિષય છે. તેમની પુષ્ટિ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ થઈ શકશે.
મૌલવી સહિત ચાર આરોપીઓની ધરપકડ
આ કેસમાં કોડીનાર પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેમાં ઉનાવાની મીરા દાતાર દરગાહના મૌલવી, એક સગીરાના કહેવાતા મામા, ધોરાજીનો એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બંને સગીરાઓનાં નિવેદનો, તેમની મુસાફરીનો માર્ગ, મોબાઇલ ફોન અને સિમકાર્ડ સંબંધિત વિગતો તેમજ ધર્મપરિવર્તન અને લગ્નના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.
અન્ય સગીરાઓ અંગે પણ તપાસની શક્યતા
પોલીસ આ મામલાને વધુ વ્યાપક રીતે તપાસી રહી હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન અન્ય સગીરાઓ કે યુવતીઓ સાથે પણ આવી કોઈ ઘટના બની છે કે નહીં તે દિશામાં વિગતો એકત્રિત કરવામાં આવી શકે છે. જોકે, હાલ કોઈ મોટા ધર્મપરિવર્તન રેકેટની પુષ્ટિ થઈ નથી. તપાસમાં મળતા પુરાવા અને આરોપીઓની પૂછપરછ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.








