Kinjal Rabari News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે તપાસ સતત નવા વળાંક લઈ રહી છે. કિંજલ રબારીના મૈત્રી કરારથી સાથે રહેતા પતિ મુકેશ દેસાઈ ઉર્ફે નરસિંહની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કિંજલનો વીડિયો અને પોલીસ કમિશનરને સંબોધીને લખાયેલી અરજી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો, કે કિંજલ હજુ સુધી પોલીસ સમક્ષ રૂબરૂ હાજર થઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જેના કારણે હવે અમદાવાદ પોલીસ તેનું લોકેશન મેળવવા માટે ટેકનિકલ તપાસ કરી રહી છે.
અપહરણની ફરિયાદ બાદ કિંજલનો વીડિયો થયો વાયરલ
મળતી માહિતી મુજબ, 6 સપ્ટેમ્બરે કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ફરિયાદ મુકેશ દેસાઈ ઉર્ફે નરસિંહ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કિંજલ રબારીનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં કિંજલે પોતાનું અપહરણ થયું હોવાની વાતને નકારી કાઢી હતી અને તે પોતાની મરજીથી પૂર્વ પતિ અશોક ચૌધરી સાથે ગઈ હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશનરને સંબોધીને લખાયેલી એક અરજી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
પોલીસને માત્ર અપહરણની ફરિયાદ સત્તાવાર રીતે મળી
ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જયેશ મકવાણાએ સમગ્ર મામલે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસને હાલમાં માત્ર અપહરણની સત્તાવાર ફરિયાદ મળી છે. કિંજલનો વાયરલ વીડિયો અને અરજી પોલીસને સોશિયલ મીડિયા મારફતે મળી છે. PI મકવાણાના જણાવ્યા મુજબ, કિંજલ રબારી હજુ સુધી પોલીસ સ્ટેશન આવીને રૂબરૂ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેથી સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને અરજીના આધારે જ સમગ્ર કેસનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ નથી.
લોકેશન ટ્રેસ થયા બાદ પોલીસ કરશે રૂબરૂ પૂછપરછ
હાલ અમદાવાદ પોલીસ કિંજલ રબારીનું લોકેશન ટ્રેસ કરવાની કામગીરી કરી રહી છે. લોકેશન મળ્યા બાદ પોલીસ ટીમ તેના સુધી પહોંચીને તેનું રૂબરૂ સત્તાવાર નિવેદન નોંધશે. કિંજલ પોલીસ સમક્ષ રૂબરૂ હાજર થઈને શું નિવેદન આપે છે તેના આધારે જ આગળની કાયદાકીય કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તેથી હાલ આ સમગ્ર મામલે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કિંજલ રબારી ક્યાં છે અને પોલીસ સમક્ષ તેનું સત્તાવાર નિવેદન શું હશે. તેના નિવેદન બાદ જ કથિત અપહરણના આ કેસનું સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે








