Kinjal Rabari Kidnapping Case: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સિંગર કિંજલ રબારીના કથિત અપહરણના કેસને લઈને ચાલી રહેલી ચર્ચા અને અફવાઓ વચ્ચે અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. L ડિવિઝનના ACP ડી.વી. રાણાએ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો રજૂ કરી હતી. પોલીસે જણાવ્યું છે કે મામલે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
મુવી જોવા મોલમાં ગયા હતા 4 લોકો
પોલીસના જણાવ્યા મુજબ, મુકેશ રબારી, કિંજલ રબારી સહિત કુલ ચાર લોકો ચાંદખેડા સ્થિત એક મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ તેઓ મોલની બહાર આવ્યા હતા. પોલીસના પ્રાથમિક ખુલાસા મુજબ, મોલની બહારથી કિંજલ રબારીને એક ગાડીમાં લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મોલની બહારના CCTV ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હોવાનું ACP ડી.વી. રાણાએ જણાવ્યું છે.
CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધી
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કિંજલ રબારીના કથિત અપહરણને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને વાયરલ વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે વીડિયોમાં દેખાતી ઘટના પાછળનું વાસ્તવિક કારણ શું હતું અને કિંજલ રબારીને ગાડીમાં લઈ જનાર લોકો કોણ હતા.
BNSની કલમ 137(2) અને 126(2) હેઠળ ગુનો
ACP ડી.વી. રાણાના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે પોલીસે BNSની કલમ 137(2) અને 126(2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ઘટનાના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસની પૂછપરછ અને તપાસ ચાલુ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાના કારણો, વાયરલ વીડિયોમાં દેખાતી બાબતોની હકીકત તથા ગાડીમાં કિંજલ રબારીને લઈ જનાર વ્યક્તિઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે કોઈ અંતિમ તારણ જાહેર કર્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને કથિત અપહરણ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.








