Gujarat crime news Diwali: આખુ ગુજરાત જ્યારે દિવાળીના પર્વે રોશની અને ફટાકડાના અવાજ સાથે ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યારે સુરત અને અમરેલીમાં જૂની અદાવત અને મનદુઃખના કારણે બે ગંભીર હિંસક ઘટનાઓ સામે આવી છે. સુરતમાં એક 18 વર્ષીય યુવકની છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે જ્યારે અમરેલીના ખાંભામાં થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને એક મહિલા સહિત પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સુરતમાં બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા યુવકની હત્યા
સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીની રાત્રે કેટલાક બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે (ઉર્ફે સન્ની) પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ જૂની અદાવતની દાઝ રાખીને 6 થી 7 અસામાજિક તત્વોએ એકસંપ થઈને પાછળથી હુમલો કર્યો હતો અને સન્નીની છાતીમાં તીક્ષ્ણ હથિયારના 5 જેટલા ઊંડા ઘા ઝીંકી દીધા હતા.
દારૂ-ગાંજાનો ધંધો કરતા બુટલેગરો પર મિત્રનો આરોપ
મૃતક સાથે કલરકામ કરતા તેના મિત્ર ધર્મેન્દ્રના જણાવ્યા મુજબ, શાહિદ અને તેના સાગરીતો આ વિસ્તારમાં દારૂ તથા ગાંજાનો ગેરકાયદે ધંધો કરે છે. તેઓ અગાઉની જૂની દુશ્મનીને કારણે અવારનવાર સન્નીને મારવાની ફિરાકમાં જ રહેતા હતા. લોહીલુહાણ હાલતમાં સન્નીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
CCTVના આધારે ખટોદરા પોલીસનો તપાસનો ધમધમાટ
આ સમગ્ર હત્યાકાંડ આસપાસ લાગેલા CCTVમાં કેદ થયો હોવાનું પોલીસનું માનવું છે. હાલ ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.

અમરેલી: ટ્રકના ભાડાના મનદુઃખમાં લોહીયાળ અથડામણ
બીજી તરફ, અમરેલી જિલ્લાના ખાંભા શહેરના ભગતવી પરા વિસ્તારમાં દિવાળીની રાત્રે અગાઉના ટ્રકના ભાડા બાબતના ડખ્ખામાં એક જ જ્ઞાતિના બે જૂથ સામસામે આવી ગયા હતા. બંને પક્ષ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ સાથે મારામારી પર ઉતરી આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક હુમલામાં 40 વર્ષીય સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગતાં તેમનું મોત નીપજ્યું હતું.

મહિલા સહિત 5 ઘાયલ, ખાંભા પોલીસે વધુ ઘર્ષણ અટકાવ્યું
આ અથડામણમાં નયુમ આરીફભાઈ ચૌહાણ, અશરફ દાઉદભાઈ સોલંકી, ભીખુ અલીભાઈ ચૌહાણ, સલીમ સોલંકી, અરબાઝ સોલંકી અને રુપેદાબેન ચૌહાણ (મહિલા) ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા છે. ખાંભા પોલીસે મોડી રાત્રે જ સમયસૂચકતા દાખવી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને મોટી હોનારત થતી અટકાવી હતી.
તહેવારોમાં પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો
ગુજરાતમાં તહેવારોના સમયગાળા દરમિયાન ગુનાખોરીનો ગ્રાફ અચાનક ઊંચકાયો છે. દિવાળીની રાત્રે જે રીતે સુરત જેવા સ્માર્ટ સિટીમાં જાહેરમાં હત્યાની ઘટના બની, તેનાથી સ્થાનિક પોલીસના 'નાઇટ પેટ્રોલિંગ' અને કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવાની સૂચના અપાઈ હોવા છતાં બુટલેગરોમાં પોલીસનો કોઈ ખોફ જોવા મળી રહ્યો નથી. બીજી તરફ, અમરેલી જિલ્લા પોલીસ વડાએ ખાંભાની ઘટના બાદ વિસ્તારમાં કોઈ કોમી અથવા જ્ઞાતિગત તણાવ ન સર્જાય તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અફવાઓ ફેલાવનારાઓ પર પણ સાયબર ક્રાઈમ સેલ નજર રાખી રહી છે.








