Ketaki Vyas Bail Application Rejected: રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસને ACB વિશેષ અદાલતમાંથી મોટો ઝટકો લાગ્યો છે. અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે આર્થિક અને ગેરકાયદે સંપત્તિ સંબંધિત ગુનાઓથી સરકારી તંત્ર પ્રત્યેના લોકોના વિશ્વાસને સીધું નુકસાન પહોંચે છે અને તેની સમાજ પર વ્યાપક અસર પડે છે.
કોર્ટનું અવલોકન: તપાસ માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી
ACB વિશેષ અદાલતે નોંધ્યું કે કેતકી વ્યાસ વર્ગ-1ના જવાબદાર અધિકારી હોવા ઉપરાંત મહેસૂલી કાયદાથી સારી રીતે માહિતગાર હતા. તેમ છતાં તેઓ લાંબા સમય સુધી ACBની તપાસથી દૂર રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તો ટ્રાયલ દરમિયાન તેઓ ફરાર થઈ જાય તેવી શક્યતાને નકારી શકાય નહીં. કોર્ટે વધુમાં કહ્યું કે વિવિધ સ્થળોએ ખરીદવામાં આવેલી મિલકતો તેમજ બેંક ખાતાઓના વ્યવહારો અંગે યોગ્ય તપાસ માટે પોલીસ કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. તેથી તપાસ પૂર્ણ થાય તે પહેલાં જામીન આપવાનું યોગ્ય જણાતું નથી.
આવક અને રોકાણના દસ્તાવેજોની અધિકૃતતા અંગે પણ સવાલ
કેતકી વ્યાસ તરફથી રજૂ કરવામાં આવેલા આવક અને રોકાણ સંબંધિત દસ્તાવેજો અંગે પણ કોર્ટે મહત્વપૂર્ણ નોંધ કરી હતી. આ દસ્તાવેજો પર અરજદાર અથવા તેમના CAની સહી-સિક્કા ન હોવાથી હાલના તબક્કે તેમની અધિકૃતતા સ્વીકારી શકાય નહીં તેમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવક, રોકાણ અને મિલકત અંગેની વિવિધ દલીલોનો અંતિમ નિર્ણય ટ્રાયલ દરમિયાન જ થઈ શકે છે.
ચાર્જશીટ હજુ ફાઈલ થઈ નથી
ACBએ કેતકી વ્યાસ સામે પોતાના તથા સગા-સંબંધીઓના નામે રૂ.3.56 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત ગેરકાયદેસર રીતે વસાવી હોવાના આરોપસર ગુનો નોંધ્યો છે. તપાસ ટાળવા માટે તેઓ લાંબા સમય સુધી ACB સમક્ષ હાજર થયા ન હોવાનો પણ આરોપ છે. આ મામલે તેમણે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. બંને અરજીઓ રદ થયા બાદ CID ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તપાસ ચાલુ છે અને ચાર્જશીટ હજુ ફાઈલ કરવાની બાકી છે.
કેતકી વ્યાસનો દાવો- 'હું નિર્દોષ છું, ખોટી રીતે ફસાવવામાં આવી છું'
જામીન અરજીમાં કેતકી વ્યાસે પોતાને નિર્દોષ ગણાવતાં કહ્યું હતું કે તેમને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે અને તેમની સામે પ્રથમ દર્શનીય ગુનો બનતો નથી. તેમણે દલીલ કરી હતી કે પૂર્વ તપાસની મંજૂરી મળ્યાના આશરે બે વર્ષ અને આઠ મહિના બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમના માતા-પિતા વિરમગામમાં રહે છે અને તેમની પોતાની અલગ આવક તથા રોકાણ છે. સાથે જ તેમના પતિ પોલીસ કર્મચારી હોવાનું અને તપાસના સમયગાળા દરમિયાન તેમની આશરે રૂ.89 લાખની દસ્તાવેજી આવકને ACB દ્વારા ધ્યાનમાં લેવામાં આવી ન હોવાની દલીલ પણ કરવામાં આવી હતી. કેતકી વ્યાસના વકીલે વધુમાં દાવો કર્યો હતો કે ACB દ્વારા ગણવામાં આવેલી 68.84 ટકાની અપ્રમાણસર મિલકતની ગણતરી કાલ્પનિક આંકડા અને બજાર કિંમતના આધારે કરવામાં આવી છે.
સરકારી વકીલની દલીલ- ગંભીર પ્રકારનો ગુનો, કસ્ટડીમાં પૂછપરછ જરૂરી
સરકારી વકીલે અદાલતમાં રજૂઆત કરી હતી કે કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકત ધરાવવાનો ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો છે. તેઓ લાંબા સમય સુધી ACB સમક્ષ હાજર થયા નહોતા અને તપાસથી દૂર રહ્યા હતા. વિવિધ સ્થળોએ ખરીદાયેલી મિલકતો અને બેંક ખાતાના વ્યવહારો અંગે વધુ તપાસ જરૂરી હોવાથી આરોપીની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ જરૂરી હોવાનું સરકારી પક્ષે જણાવ્યું હતું. આથી જામીન અરજી ન્યાયના હિતમાં ફગાવી દેવાની માગ કરવામાં આવી હતી.
તપાસ ચાલુ હોવાથી કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો
અદાલતે નોંધ્યું કે હાલ કેસની તપાસ ચાલુ છે અને કેતકી વ્યાસ સામે પ્રથમ દર્શનીય રીતે ગુનામાં સંડોવણી જણાય છે. અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના કાનૂની ચુકાદાઓ આ કેસની પરિસ્થિતિથી અલગ હોવાથી તેનો લાભ આપી શકાય નહીં. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ACB વિશેષ અદાલતે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અને કેતકી વ્યાસની જામીન અરજી ફગાવી દીધી છે.








