Kedarnath Rain Update: ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા દરમિયાન સતત વરસાદને કારણે સુરતથી દર્શનાર્થે ગયેલા 14 શ્રદ્ધાળુઓનું ગ્રૂપ મુશ્કેલીમાં ફસાયું છે. અલથાણ વિસ્તારના આ ગ્રૂપમાંથી ત્રણ યાત્રીઓને સ્થાનિક પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા હોવાનું પરિવારજનોનું કહેવું છે. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે યાત્રીઓએ ગુજરાત સરકાર તાત્કાલિક દખલ કરે તેવી માંગ કરી છે.
રંજનબેને રડતાં-રડતાં કરી મદદની અપીલ
અલથાણના રંજનબેન પંચાલે કેદારનાથથી એક વીડિયો બનાવીને મદદ માટે અપીલ કરી છે. વીડિયોમાં તેઓ ભાવુક થઈને રડતાં-રડતાં કહે છે કે તેઓ બે દિવસ પહેલાં કેદારનાથ પહોંચ્યા હતા, પરંતુ સતત વરસાદને કારણે ત્યાં જ અટવાઈ ગયા છે. તેમણે ગુજરાત સરકારને અપીલ કરતા કહ્યું કે તેમના ગ્રૂપના લોકોને સુરક્ષિત રીતે પોતાના વતન સુધી પહોંચાડવા માટે મદદ કરવામાં આવે. રંજનબેને કહ્યું કે, “પ્લીઝ અમને હેલ્પ કરો...” આટલું કહેતા જ તેઓ ભાવુક થઈ ગયા હતા. વીડિયોમાં તેમની આંખોમાં આંસુ જોવા મળે છે અને આસપાસની સ્થિતિ પણ તેમણે કેમેરામાં બતાવી છે.
ખુલ્લા આકાશ નીચે તંબુમાં આશરો
વીડિયોમાં આસપાસ ફસાયેલા અન્ય શ્રદ્ધાળુઓ પણ જોવા મળે છે. કેટલાક લોકો ખુલ્લા આકાશ નીચે તંબુમાં આશરો લઈ રહ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વચ્ચે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થયો હોવાની સ્થિતિ વીડિયોમાં દેખાઈ રહી છે.
સુરતમાં પરિવારજનોમાં ચિંતા
કેદારનાથમાં ફસાયેલા યાત્રીઓના વીડિયો સામે આવ્યા બાદ સુરતમાં રહેતા તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે સ્થાનિક સ્તરે પૂરતી માહિતી અને સહાય મળી રહી નથી. ત્રણ યાત્રીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા બાદ હવે બાકીના 11 લોકોને પણ વહેલી તકે સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે. પરિવારજનો અને યાત્રીઓએ ગુજરાત સરકાર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરીને જરૂરી મદદ પહોંચાડવા તેમજ તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની અપીલ કરી છે.








