Kalpasar Project status Gujarat: ગુજરાતનો મહત્ત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં હોવા છતાં હકીકતમાં હજુ સુધી કાગળ પર જ સીમિત છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે રચાયેલી આ યોજના 18 વર્ષથી હજુ સુધી તૈયાર થયા નથી. રાજ્યમાં છ મુખ્યમંત્રીઓ બદલાયા છતાં પ્રોજેક્ટનો DPR હજી સુધી પૂર્ણ સ્વરૂપે જાહેર થયો નથી. પરિણામે 'ડ્રીમ પ્રોજેક્ટ' તરીકે ઓળખાતી આ યોજના અમલીકરણના સ્તરે આગળ વધી શકી નથી.
ખંભાતના અખાતમાં મીઠા પાણીનું વિશાળ જળાશય ઊભું કરવાની યોજના
આ યોજનાનો મૂળ વિચાર ખંભાતના અખાતમાં મીઠા પાણીનું વિશાળ જળાશય ઊભું કરવાનો છે. ભાવનગર અને દહેજ વચ્ચે દરિયામાં આશરે 30 કિલોમીટર લાંબો બંધ બાંધીને દરિયાનું ખારું પાણી રોકવાનો અને નર્મદા, તાપી, મહી તથા સાબરમતી જેવી નદીઓનું વધારાનું મીઠું પાણી સંગ્રહવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ સાકાર થાય તો સૌરાષ્ટ્રની અંદાજે 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર આશરે 136 કિલોમીટર જેટલું ઓછું થવાની પણ શક્યતા છે, જે પરિવહન અને વેપાર માટે લાભદાયી સાબિત થઈ શકે.
ખર્ચમાં ભારે વધારો છતાં જમીન સ્તરે કોઈ નોંધપાત્ર કામગીરી નહીં
વર્ષ 2002માં તત્કાલીન રાજ્ય સરકારે આ યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. શરૂઆતમાં અંદાજિત ખર્ચ આશરે રૂ. 25 હજાર કરોડ ગણાયો હતો, પરંતુ લાંબા સમયથી થતા વિલંબ, વધતા ખર્ચ અને મોંઘવારીને કારણે હવે આ આંકડો રૂ. 90 હજાર કરોડ સુધી પહોંચી ગયો હોવાનું કહેવામાં આવે છે. ખર્ચમાં ભારે વધારો છતાં જમીન સ્તરે કોઈ નોંધપાત્ર કામગીરી શરૂ થઈ નથી, જેના કારણે આ યોજના અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
તમામ મંજૂરી મળ્યા બાદ અંદાજે આઠ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કલ્પના
સરકારે વિધાનસભામાં આપેલા જવાબ મુજબ, હાલ DPR અંતિમ તબક્કામાં હોવાનું જણાવાયું છે. છેલ્લા બે વર્ષમાં યોજના માટે રૂ. 4 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી આશરે રૂ. 2.60 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. જોકે, આ ખર્ચ મુખ્યત્વે વિવિધ ટેકનિકલ અભ્યાસ અને સર્વે માટે જ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આગામી પ્રક્રિયા પણ સરળ નથી. DPR તૈયાર થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી પર્યાવરણ સહિત વિવિધ કાનૂની મંજૂરીઓ લેવાની રહેશે. સરકારી આયોજન મુજબ તમામ મંજૂરી મળ્યા બાદ અંદાજે આઠ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કલ્પના છે. એટલે કે, હકીકતમાં કામ શરૂ થવામાં અને પૂર્ણ થવામાં હજુ લાંબો સમય લાગી શકે છે.
પ્રોજેક્ટના વાસ્તવિક લાભ માટે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે
આ પરિસ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે કલ્પસર યોજના હજી સુધી અમલીકરણના માર્ગે મક્કમપણે આગળ વધી નથી. પાણી અને વિકાસની આશા સાથે બેઠેલી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતાને આ પ્રોજેક્ટના વાસ્તવિક લાભ માટે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે. હાલ માટે, કલ્પસર એક મહત્ત્વાકાંક્ષી વિચાર તરીકે જ ચર્ચામાં જીવંત છે.








