Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકામાં અધિકારીઓની બેદરકારી અને વહીવટી શિથિલતાને કારણે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2020-21ના સરકારી ઓડિટ અહેવાલે મનપાની વોટરવર્કસ શાખાની ગંભીર પોલ ખોલી નાખી છે. અધિકારીઓએ સમયસર વીજ બિલ ન ભરતા મનપાની તિજોરી પર લાખો રૂપિયાની પેનલ્ટીનું ભારણ આવ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
અધિકારીઓની બેદરકારી: 8 લાખથી વધુની રકમ દંડમાં ગઈ
વિપક્ષના નેતા લલિત પરસાણાએ ઓડિટ રિપોર્ટને આધારે શાસક પક્ષ અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વોટરવર્કસ શાખા હેઠળ આવતા વિવિધ પંપિંગ સ્ટેશનોના આશરે ₹75 લાખ જેટલા વીજ બિલો નિયત સમયમર્યાદામાં ભરવામાં આવ્યા નહોતા. અધિકારીઓની આ ગંભીર બેદરકારીને કારણે મહાનગરપાલિકાએ ₹8 લાખથી વધુની રકમ માત્ર લેટ ફી અને પેનલ્ટી પેટે ચૂકવવી પડી છે. જનતા જ્યારે પાણીવેરો અને મિલકતવેરો નિયમિત ભરે છે, ત્યારે તંત્રની આવી આળસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઓડિટ રિપોર્ટની કડક નોંધ: અધિકારીઓના પગારમાંથી વસૂલાતની સૂચના
સરકારી ઓડિટમાં આ ક્ષતિને અત્યંત ગંભીર ગણાવવામાં આવી છે. રિપોર્ટમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, જે તે સમયે બિલ ભરવાની જવાબદારી જે અધિકારીની હતી, તેમની અંગત જવાબદારી નક્કી કરી આ દંડની રકમ તેમના પગારમાંથી વસૂલવી જોઈએ. ઓડિટર્સે નોંધ્યું હતું કે અન્ય બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકીને પણ વીજ બિલ જેવા અનિવાર્ય ખર્ચાઓને પ્રાથમિકતા આપવી જોઈએ જેથી સરકારી નાણાંનો દંડ પેટે વ્યય ન થાય. જોકે, આ સૂચના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
કાર્યપાલક ઇજનેર શંકાના દાયરામાં
વિપક્ષી નેતાએ વોટરવર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની આવી અનેક ક્ષતિઓને કારણે મનપાને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે ખુલાસો મેળવવા જ્યારે ઇજનેરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે પ્રતિસાદ આપવાનું ટાળ્યું હતું, જેનાથી વિપક્ષનો આક્ષેપ વધુ મજબૂત બન્યો છે.
કમિશનરને રજૂઆત અને આંદોલનની ચીમકી
આ મામલે વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. માંગ કરવામાં આવી છે કે આ નાણાકીય નુકસાન માટે જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલાત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની તકેદારી રાખવામાં આવે. લલિત પરસાણાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે, તો મનપાના અન્ય વિભાગોમાં ચાલતા કૌભાંડો અને આર્થિક ગેરરીતિઓ પણ જાહેર જનતા સામે લાવવામાં આવશે.








