Junagadh Leopard Attack Deadkal Village: જૂનાગઢ જિલ્લામાં સિંહના આંટાફેરા બાદ હવે દીપડાના આતંકથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહીને ખેતીકામ કરતા પરિવારની 5 વર્ષની માસૂમ બાળકી પ્રિશા 23 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ઘરના ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન અચાનક આવી પહોંચેલા દીપડાએ બાળકી પર હુમલો કરી તેને ઘસડીને અંધારામાં ખેતર તરફ લઈ ગયો હતો. આ ઘટના બનતા જ પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.
સોયાબીનના ખેતરમાંથી 2 કલાકે મળ્યો બાળકીનો મૃતદેહ
બનાવને પગલે ગ્રામજનો અને પરિવારજનોએ ટોર્ચ અને લાકડીઓ સાથે આજુબાજુના ખેતરોમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. આશરે બે કલાકની ભારે મથામણ બાદ વાડી પાસે આવેલા સોયાબીનના ખેતરમાંથી માસૂમ પ્રિશાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોતાની પાંચ વર્ષની દીકરીનો મૃતદેહ જોતાં જ માતા-પિતા સહિત સમગ્ર પરિવારના સભ્યો રડી-રડીને બેહાલ થઈ ગયા હતા. આ કરુણ ઘટનાથી આખા ડેડકિયાળ ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
ન્યાય અને 25 લાખની સહાય સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
ઘટના બાદ બાળકીના કાકા કેતનભાઈ સોલંકી અને પરિવારજનોએ વન વિભાગ અને શાસન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી માસૂમ બાળકીનો શિકાર કરનાર નરભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં ન આવે ત્યાં સુધી તેઓ બાળકીનો મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે સરકાર તરફથી મૃતકના પરિવારને રૂપિયા 25 લાખનું વળતર આપવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત કરી છે.
વન વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
બીજી તરફ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ઘટનાની તાત્કાલિક જાણ કરવા છતાં વન વિભાગનો સ્ટાફ બે કલાક મોડો પહોંચ્યો હતો. જોકે, ડેડકિયાળ રેન્જના RFO એચ.ડી. ગળચરે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દેવળિયા રેન્જ તેમજ આસપાસની ચાર રેન્જનો 30થી 35 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરી દેવાયો છે અને દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવા માટે વિવિધ પોઈન્ટ પર 10 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં દીપડાઓની વધતી વસ્તી અને માનવ-વન્યજીવ સંઘર્ષ
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જેવા વન્યજીવ સમૃદ્ધ વિસ્તારોમાં માનવ અને દીપડા વચ્ચેનો સંઘર્ષ દિન-પ્રતિદિન વધતો જાય છે.
વસ્તી આંકડા: વર્ષ 2023ના વન વિભાગના સત્તાવાર અંદાજ મુજબ ગુજરાતમાં કુલ 2294 દીપડા નોંધાયા હતા, જેની સંખ્યા હાલ વધીને અંદાજે 2600થી વધુ હોવાનું મનાય છે.
જૂનાગઢમાં સૌથી વધુ વસ્તી: રાજ્યમાં સૌથી વધુ દીપડા જૂનાગઢ અને ગીરના જંગલ વિસ્તારને અડીને આવેલા ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે.
માનવ વસવાટ તરફ પ્રયાણ: જંગલમાં ખોરાક અને પાણીની મર્યાદિત સુવિધા તેમજ ખુલ્લા ખેતરો અને સોયાબીન/શેરડી જેવા ઊંચા પાકોના કારણે દીપડાઓ માનવ વસવાટ અને વાડી વિસ્તારો તરફ આકર્ષાય છે, જેનાથી બાળકીઓ અને વૃદ્ધો પર હુમલાની ઘટનાઓ બને છે.








