Ganesh Gondal: જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ચકચારી અપહરણ, જાનલેવા હુમલા અને એટ્રોસિટી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ (જાડેજા) સહિત તેમના સાથીદારોને કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ કેસમાં ગણેશ જાડેજા સહિત કુલ 11 આરોપીઓ સામે ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજુ સોલંકીના પુત્ર દેવાંગ સોલંકીનું ગાડીમાં અપહરણ
આ કેસની શરૂઆત 30 મે 2025ના રોજ જૂનાગઢના દાતાર રોડ પર થયેલી બોલાચાલી બાદ થઈ હતી. ફરિયાદ મુજબ, દલિત અગ્રણી રાજુ સોલંકીના પુત્ર દેવાંગ સોલંકીનું ગાડીમાં અપહરણ કરીને ગોંડલ લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં તેની સાથે મારપીટ કરી જાતિ વિષયક અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે જૂનાગઢ સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પોલીસ તપાસ દરમિયાન ગણેશ જાડેજા ઉપરાંત જશપાલસિંહ ઉર્ફે જે.કે. રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા, દિગપાલસિંહ, સમીર ઉર્ફે પોલાસ, અકરમ તર્કવાડીયા અને રમીશ પઠાણ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓએ લાંબો સમય જેલમાં પણ વિતાવ્યો હતો. ત્યારબાદ કેસની સુનાવણી દરમિયાન સમગ્ર મામલામાં મહત્વનો વળાંક આવ્યો અને ફરિયાદી પક્ષ તથા આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયું હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું.
બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું
સુનાવણી દરમિયાન ફરિયાદી દેવાંગ સોલંકી તેમજ મુખ્ય સાક્ષીઓએ અગાઉની રજૂઆતથી અલગ પ્રકારની જુબાની આપી હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર કેસમાં સાક્ષીઓની જુબાની, પક્ષકારો વચ્ચે થયેલી સમજૂતી અને અન્ય કાનૂની પાસાઓને ધ્યાનમાં રાખીને જૂનાગઢની સેશન્સ કોર્ટે ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓને કેસમાં લાગેલા તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કરવાનો આદેશ કર્યો છે.








