Jignesh Mevani demands Harsh Sanghvi resignation: ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં ચાલતા દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના કથિત ગેરકાયદે વ્યવહારને લઈને રાજ્યની રાજનીતિમાં નવા તણાવનું નિર્માણ થયું છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ આ મુદ્દાને રાજ્ય સરકાર સામે આક્રમક વલણ વડે ઉઠાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર સીધી આક્ષેપબાજી કરીને તેમના રાજીનામાની માંગ જાહેરમાં કરી છે. સાથે સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૌન શક્તિને પણ તેમણે પ્રશ્નવિદ બનેલી ગણાવી હતી.
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો
પ્રેસ કોન્ફરન્સમાં મેવાણીએ રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા. તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓ અને 250થી વધુ તાલુકાઓમાં "કાનૂન અને બંધારણનો ઉપહાસ" કરતાં જુગારના અડ્ડા, ગેરકાયદેસર દારૂના ધંધા, કુટણખાના અને ડ્રગ્સનું જાળું વ્યાપક રીતે ફેલાયેલું છે. તેમના મુજબ, આ પ્રવૃત્તિઓ રાજ્યની સરકારી અને પોલીસ સંસ્થાઓની તટસ્થતા અથવા સહકાર વિના શક્ય નથી.
કાળા ધંધામાં સીધી કે આડકતરી ભૂમિકા
મેવાણીએ દાવો કર્યો કે દરિયાકાંઠા પરથી અત્યાર સુધીમાં લગભગ ₹64,000 કરોડના ડ્રગ્સ ઝડપાયા છે, પરંતુ વાસ્તવિક આંકડા વિધાનસભામાં રજૂ થતી જાણકારી કરતાં ઘણાં મોટા હોઈ શકે છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે 'ગુજરાતમાં કોઈ એક પ્રભાવી મંત્રી એવો છે જે યુવાનોના ભવિષ્ય સાથે રમતો હોય અને આ કાળા ધંધામાં સીધી કે આડકતરી ભૂમિકા ભજવતો હોય.' આવા મંત્રીઓને તેમણે 'ગુજારાત અને રાષ્ટ્રના ગદ્દાર' તરીકે વર્ણવ્યા.
મુખ્યમંત્રીની મૌન ભૂમિકાને તેમણે શંકાસ્પદ ગણાવતા
હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરતી વખતે મેવાણીએ જાહેરમાં કહ્યું કે "આ મુદ્દે 'નથિંગ લેસ ધેન ધેટ’ સ્વીકાર્ય નથી." તેમણે વધુમાં દાવો કર્યો કે 'આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.' બહોળા પાયે ચાલતા દારૂ અને ડ્રગ્સના વ્યવહાર વચ્ચે મુખ્યમંત્રીની મૌન ભૂમિકાને તેમણે શંકાસ્પદ ગણાવતા પ્રશ્ન કર્યો-'શું મુખ્યમંત્રીને આ બધું દેખાતું નથી અથવા રાજ્યની હાલત પ્રત્યે તેમને કાળજી નથી?'
ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડા બંધ
મેવાણીએ પડકાર આપ્યો કે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલના પોતાના વિધાનસભા ક્ષેત્રોમાંથી ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડા બંધ કરાવી બતાવવામાં આવે તો જ સરકારની હકીકતમાં ઇચ્છાશક્તિ સાબિત થશે. તેમના મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં શાળા–કૉલેજોની આસપાસ અને હોસ્ટેલોમાં સરળતાથી ડ્રગ્સ ઉપલબ્ધ છે, જે યુવા પેઢી માટે ગંભીર જોખમ છે.
ગુજરાતની જનતાની લડત છે
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ ટૂંક સમયમાં એક હેલ્પલાઇન શરૂ કરવાની તૈયારીમાં છે. મેવાણીએ જનતાને અનુરોધ કર્યો કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિની માહિતી અથવા વીડિયો નિઃશંકપણે મોકલે અને તેને કોંગ્રેસના નેતાઓ સાથે શેર કરો. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'આ માત્ર કોંગ્રેસનું અભિયાન નહીં, પરંતુ ગુજરાતની જનતાની લડત છે.' અંતે, મેવાણીએ ચેતવણી આપી કે જો દારૂ, ડ્રગ્સ અથવા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને બહાર લાવનાર કોઈ પણ નાગરિકને ટાર્ગેટ કરવામાં આવશે તો કોંગ્રેસ તે બદલ કડક પગલા લેશે.








