10th student dies of heart attack: રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતા માત્ર 15 વર્ષીય વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી કરુણ મોત થયું છે. ટ્યુશન પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે તેના મોપેડમાં અચાનક પેટ્રોલ ખૂટી ગયું હતું. ત્યારબાદ મોપેડને ધક્કો મારીને લઈ જતી વખતે તે અચાનક રસ્તા પર ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટનાના દૃશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.
મોપેડને ધક્કો મારતી વખતે અચાનક બેભાન થયો
મળતી માહિતી મુજબ, પૂર્વ દિવ્યેશભાઈ મહાલિયા નામનો 15 વર્ષીય વિદ્યાર્થી જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ તે ટ્યુશન પૂર્ણ કરીને મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા તેણે વાહનને ધક્કો મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત
પૂર્વ અચાનક રસ્તા પર પડી જતાં તેની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓ તેમજ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં પણ આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.
પરિવારનો દાવો- પહેલેથી જ હૃદયની તકલીફ હતી
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂર્વને અગાઉથી હૃદય સંબંધિત તકલીફ હતી અને તેનું હૃદય માત્ર 30 ટકા જેટલું કાર્ય કરતું હતું. ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવારમાં પૂર્વ એકમાત્ર પુત્ર હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે પુત્રનું અકાળે અવસાન થતાં મહાલિયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરુણ ઘટનાથી સમગ્ર જેતપુર પંથકમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.








