JEE Advanced 2026: દેશની પ્રતિષ્ઠિત IITમાં પ્રવેશ માટેની JEE Advanced પરીક્ષાના પરિણામ બાદ JoSAA દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ઓનલાઈન પ્રવેશના અનેક રાઉન્ડ બાદ Joint Implementation Committee દ્વારા પરીક્ષા, પરિણામ અને પ્રવેશ અંગેનો અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. 2026ના રિપોર્ટ મુજબ, દેશના ટોપ 1000 વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી.
પાંચ વર્ષથી ટોપર્સની પસંદગીમાં IIT ગાંધીનગર પાછળ
છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો JEE Advancedના ટોપ 1000 રેન્કર્સમાં IIT ગાંધીનગરની પસંદગી ખૂબ ઓછી રહી છે. વર્ષ 2025માં ટોપ 1000માંથી માત્ર 1 વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો હતો. જ્યારે ટોપ 2000માંથી 17 અને ટોપ 5000માંથી 87 વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2024માં ટોપ 1000માંથી માત્ર 1 વિદ્યાર્થીએ IIT ગાંધીનગર પસંદ કર્યું હતું. જ્યારે 2022 અને 2023માં દેશના ટોપ 1000માંથી એકપણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નહોતો.
IIT બોમ્બે ટોપર્સની પહેલી પસંદ
દેશમાં હાલમાં કુલ 23 IIT આવેલી છે. દર વર્ષની જેમ 2026માં પણ IIT બોમ્બે ટોપ રેન્કર્સ માટે સૌથી વધુ પસંદગીનું સંસ્થાન રહ્યું છે. JEE Advancedના ટોપ 5000 વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ IIT બોમ્બેમાં પ્રવેશ મેળવ્યો છે. આ વર્ષે IIT બોમ્બેમાં ટોપ 100માંથી 68, ટોપ 200માંથી 99, ટોપ 500માંથી 183, ટોપ 1000માંથી 406 અને ટોપ 5000 રેન્કમાંથી 764 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
IIT ગાંધીનગરમાં કુલ 361 પ્રવેશ
2026માં IIT ગાંધીનગરમાં કુલ 361 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં 20 ટકા યુવતીઓનો સમાવેશ થાય છે. જોકે, JEE Advanced 2026ના રિપોર્ટ મુજબ ટોપ 1000માંથી એકપણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી. ટોપ 2000માંથી 7 અને ટોપ 5000માંથી 81 વિદ્યાર્થીઓએ IIT ગાંધીનગરમાં પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાતના ટોપર્સની પણ મુંબઈ પર નજર
દર વર્ષે દેશના ટોપ 100 JEE Advanced વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી સરેરાશ 4થી 5 વિદ્યાર્થીઓ હોય છે, જ્યારે ટોપ 1000માં ગુજરાતના આશરે 40થી 50 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે, ગુજરાતના આ ટોપર્સમાં પણ IIT ગાંધીનગર કરતાં IIT બોમ્બે તરફ વધુ ઝુકાવ જોવા મળે છે. ટોપર્સ માટે IIT બોમ્બેની કોમ્પ્યુટર સાયન્સ બ્રાંચ સૌથી પસંદગીની બ્રાંચમાં રહે છે. આ આંકડા પરથી IIT ગાંધીનગર સામે દેશના ટોચના JEE રેન્કર્સની પસંદગીનું ચિત્ર સ્પષ્ટ થાય છે.








