Jamnagar News: જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પ્રણામી નગર નજીકથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે રંગમતી નદીના કાંઠેથી એક 25 વર્ષીય નેપાળી યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો કરપીણ હત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે, જેને પગલે સ્થાનિક પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ નેપાળનો રહેવાસી હતો મૃતક
મળતી માહિતી મુજબ, મૃતક યુવાનની ઓળખ 25 વર્ષીય તપેન્દ્ર જંનકર સાવન તરીકે થઈ છે, જે મૂળ નેપાળી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ. ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા સહિત એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારે મૃતકના માથા અને પગના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
પોલીસને મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા
ક્રાઈમ સીન પરથી પોલીસને મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. મૃતદેહની તદ્દન નજીકથી લોહીથી ખરડાયેલો એક મોટો પથ્થર મળી આવ્યો છે. આ ઉપરાંત, નદીના પાણીમાં ડૂબેલી હાલતમાં એક એક્ટિવા મોપેડ (નંબર GJ 11 BF 6143) પણ મળી આવ્યું છે. પોલીસની પ્રાથમિક શંકા મુજબ, કોઈ અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી અથવા આંતરીને માથાના ભાગે પથ્થર જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા કરી હોઈ શકે છે અને પુરાવાનો નાશ કરવા વાહન નદીમાં ફેંકી દીધું હોવાની શક્યતા છે.
એક્ટિવાના રજીસ્ટ્રેશન નંબરના આધારે માલિકની શોધખોળ શરૂ
પોલીસે હવે એક્ટિવાના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકની શોધખોળ શરૂ કરી છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા નેપાળી સમુદાયના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ તાજેતરમાં કોઈ યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અંગત અદાવત કે અન્ય કોઈ કારણસર આ હત્યા થઈ છે તે દિશામાં પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.
સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ
હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ડીવાયએસપી ઝાલાના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના ચોક્કસ સમય અને કારણની સત્તાવાર પુષ્ટિ થશે. ધોળા દિવસે નદી કાંઠેથી યુવાનની લાશ મળી આવતા સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ આ કેસનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનની પણ મદદ લઈ રહી છે.








