CA Student Suicide Case Jamnagar: જામનગર શહેરમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) નો અભ્યાસ કરતી એક યુવતીએ બિલ્ડિંગના નવમા માળેથી કૂદી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કરી દીધો છે અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
શું છે સમગ્ર બનાવ?
મળતી માહિતી અનુસાર, જામનગરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલી શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં આજે સવારે આશરે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. 22 વર્ષીય યુવતી એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી અને લિફ્ટ મારફતે સીધી નવમા માળે પહોંચી હતી. ત્યારબાદ તેણે ઉપરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી પડતા યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભારે રક્તસ્ત્રાવને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મૃતક યુવતીની ઓળખ
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિકોએ તરત જ 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. તબીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી યુવતીનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારબાદ જામનગર સિટી “એ” ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન યુવતી લિફ્ટમાં ચડીને નવમા માળે જતી જોવા મળી હતી. તપાસમાં મૃતક યુવતીની ઓળખ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ તરીકે થઈ છે. તે જામનગરના કલ્યાણી ચોક નજીક આવેલા ઝવેરીની ડેલી વિસ્તારમાં રહેતી હતી.
દીકરીના અચાનક અવસાનથી પરિવારમાં શોક
પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ દ્રષ્ટિ CAનો અભ્યાસ કરતી હતી અને અભ્યાસમાં પણ સારી હતી. તેના પિતા સોની કામ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન અને દાદીમા સહિત પરિવારના અન્ય સભ્યો રહે છે. ખાસ વાત એ છે કે પરિવાર થોડા દિવસોમાં કેદારનાથ યાત્રા માટે જવાની તૈયારીમાં હતો, પરંતુ દીકરીના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
યુવતીએ આટલું ગંભીર પગલું કેમ ભર્યું?
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે યુવતી છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતી. વ્યક્તિગત કારણોસર તે ડિપ્રેશનનો સામનો કરી રહી હતી તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાના સાચા કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ આટલું ગંભીર પગલું કેમ ભર્યું તે અંગે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરિવાર અને સગાસંબંધીઓ માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે.








