Jamnagar food safety crackdown fake milk: જામનગરના કાલાવડ તાલુકાના એક ગામમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ અને તે બનાવવાની સામગ્રી ઝડપાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. નકલી દૂધનું ઉત્પાદન અને વેચાણ કરતા તત્વો સામે જામનગર ફૂડ સેફ્ટી વિભાગે છેલ્લા ત્રણ દિવસથી સઘન અને કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ દરમિયાન સ્થળ પર જ અંદાજે 170 લીટર શંકાસ્પદ દૂધનો નાશ કરવામાં આવ્યો છે અને કુલ 58 સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વહેલી સવારે વાહનો અને બાઈકમાંથી લેવાયા નમૂના
ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે દૂધનું વિતરણ અને વેચાણ કરવા નીકળેલા વિક્રેતાઓના વાહનો તથા મોટરસાઇકલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન દૂધના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાંથી 51 સેમ્પલ જામનગરની લેબોરેટરીમાં અને 7 સેમ્પલ વડોદરા સ્થિત મોટી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ત્રણ વિક્રેતાઓ પાસેથી અસામાન્ય દૂધ મળતા 170 લીટરનો નાશ
તપાસ દરમિયાન સ્થળ પર જ મશીન દ્વારા દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં ત્રણ વિક્રેતાઓ પાસેથી અસામાન્ય ગુણવત્તાવાળું દૂધ મળી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને સ્થળ પર જ આશરે 170 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળિયાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગના અધિકારીએ આપી જાણકારી
ફૂડ વિભાગના અધિકારી એન. પી. જસોલિયા એ સમગ્ર બાબતે જણાવ્યું કે, જામનગર FSO ની ટીમને દૂધમાં ભેળસેળ થતી હોવાની અમુક ફરિયાદ મળી હતી. જેને ધ્યાને લઈને ટીમ દ્વારા નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણ દિવસથી વહેલી સવારે 6:30 થી શહેરના અલગ-અલગ વિભાગોમાં જે વ્હીકલ કે મોટરસાયકલ પર વિક્રેતાઓ નીકળે તેને રોકીને નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓને જામનગર અને બરોડાની લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્સ્પેક્શન દરમિયાન શંકાસ્પદ 170 લીટર દૂધ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું છે.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે પણ તપાસ અને જાગૃતિ
દૂધની સાથે-સાથે ગુજરાતના આરોગ્ય મંત્રીની સૂચના અનુસાર, લોકોને 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજાય તે હેતુથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફ્રોઝન ડેઝર્ટ તથા આઈસ્ક્રીમના ઉત્પાદકો અને વેચાણકર્તાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને નાગરિકોને આ અંગે જરૂરી જાગૃતિ પૂરી પાડવામાં આવી હતી.








