Jamnagar Attack on Police: જામનગર શહેરના બાલાજી પાર્ક નજીક આવેલા સેનાનગર વિસ્તારમાં ડ્રગ્સ મામલે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્ત્વોએ હુમલો કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્ર હાલ હાઇ એલર્ટ પર છે અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ફિલ્ડ પર પોલીસકર્મીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
શું હતી ઘટના?
મળતી વિગતો મુજબ, જામનગર પોલીસની ટીમ બાલાજી પાર્ક નજીક સેનાનગર વિસ્તારમાં ડ્રગ્સની ગતિવિધિ અંગે દરોડાની કાર્યવાહી માટે પહોંચી હતી. આ દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસ ટીમ પર હુમલો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસકર્મીને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ કાફલો ખડકાયો અને કોમ્બિંગ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, LCB સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે કોમ્બિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ: કાયદાના રક્ષકો જ અસુરક્ષિત?
જામનગરની આ ઘટના કોઈ છૂટીછવાઈ ઘટના નથી; અગાઉ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં દરોડા, વિવાદ શાંત કરાવવા કે કાયદાકીય કાર્યવાહી દરમિયાન પોલીસ પર હુમલા અને વાહનોને નુકસાન પહોંચાડવાના બનાવો સામે આવી ચૂક્યા છે. જેમાં જૂન 2026 માં અંબાજી વિસ્તારમાં એક વિવાદ બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમ પર હુમલો કરાયો હતો અને લાકડીઓ-પથ્થરો વડે પોલીસ વાહનની તોડફોડ કરવામાં આવી હતી.
ફિલ્ડ ડ્યુટીમાં પોલીસની સુરક્ષા પર સવાલ
દરોડા, પથ્થરમારો અને હિંસક ઘર્ષણના આવા બનાવો દર્શાવે છે કે જ્યારે ગુનેગારો અને અસામાજિક તત્ત્વોમાં કાયદાનો ડર ઘટે છે, ત્યારે સૌથી પહેલો સામનો ફિલ્ડમાં ઉતરેલા પોલીસકર્મીઓએ કરવો પડે છે. ડ્રગ્સ નેટવર્ક અને અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની સાથે-સાથે દરોડા અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનોની સુરક્ષા અને બેકઅપ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી અનિવાર્ય બની છે.
નોંધનીય છે કે, જ્યારે ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષાની બાંહેધરી લે છે પરંતુ, જ્યારે પોલીસ ખુદ સુરક્ષિત ન હોય ત્યારે પ્રશ્ન ઊભા થાય છે કે, જનતાની સુરક્ષા કેવી રીતે થશે?








