Jambusar Fake Marriage Certificate Case: ભરૂચ જિલ્લાના જંબુસરમાં 24 વર્ષીય યુવતીને ભગાડી લઈ જવા અને ત્યારબાદ કોર્ટ મેરેજનું કથિત બનાવટી પ્રમાણપત્ર રજૂ કરવાના મામલે કરજણના યુવક ફેઝલ મજીદ દિવાન સામે પોલીસે ગુનો નોંધ્યો છે. યુવતીના પરિવારને યુવકે લગ્ન કરી લીધા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ લગ્ન પ્રમાણપત્રની સરકારી કચેરીમાં ખરાઈ કરાવતા સંબંધિત રેકોર્ડમાં આવા લગ્નની નોંધ જ ન હોવાનું સામે આવ્યું હતું. યુવતીના પરિવાર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે SITની રચના કરવાની માગ કરવામાં આવી છે. યુવતીની માતાએ પોતાની દીકરીને માનસિક રીતે પ્રભાવિત કરીને પરિવારથી દૂર કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે. જો, કે આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
યુવતીએ ફોન કરીને ‘કોર્ટ મેરેજ’ કર્યાનું જણાવ્યું
જંબુસરની યુવતી BHMSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. પરિવારના જણાવ્યા મુજબ, 7 મે 2026ના રોજ યુવતીએ ફોન કરીને પોતે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું કહ્યું હતું. તેણે પરિવારને હવે ઘરે પરત નહીં આવવાની વાત પણ કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ, યુવતી ઘરમાંથી આશરે 6 તોલાનો સોનાનો હાર પણ પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જંબુસર પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
યુવકના પરિવાર તરફથી મેરેજ સર્ટિફિકેટ રજૂ કરાયું
આ દરમિયાન પરિવારને જાણ થઈ કે યુવતી સાથે કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ મજીદ દિવાને લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફેઝલના મામા દ્વારા જંબુસર પોલીસ સમક્ષ એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્રને લઈને યુવતીના પરિવારને શંકા જતા તેમણે તેની સરકારી કચેરીમાં ખરાઈ કરાવી હતી. વડોદરાની સંબંધિત સબ-રજિસ્ટ્રાર અને લગ્ન નોંધણી કચેરીના રેકોર્ડની તપાસમાં ફેઝલ અને યુવતીના નામે લગ્ન નોંધાયેલા ન હોવાનું લેખિતમાં જણાવાયું હતું. કચેરીએ આવું કોઈ લગ્ન પ્રમાણપત્ર જારી કર્યું ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.
નકલી પ્રમાણપત્ર મામલે પોલીસ કાર્યવાહી
લગ્ન પ્રમાણપત્રની ખરાઈ બાદ યુવતીના પિતાએ જંબુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ફેઝલ મજીદ દિવાન સામે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ સાથે સંકળાયેલી જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન આ પ્રમાણપત્ર કોણે બનાવ્યું, તેમાં કયા લોકોની સંડોવણી હતી અને પ્રમાણપત્ર પર દર્શાવવામાં આવેલી સહી તથા અન્ય વિગતોની ખરાઈ કેવી રીતે કરવામાં આવી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
‘મારી દીકરીને પરત લાવી આપો’, માતા
યુવતીની માતાએ આક્ષેપ કર્યો છે, કે તેમની દીકરીને પ્રેમસંબંધના નામે પરિવારથી દૂર કરવામાં આવી અને તેનું બ્રેનવોશ કરવામાં આવ્યું. માતાના જણાવ્યા મુજબ, દીકરી છેલ્લા કેટલાક મહિનાથી પરિવારના સંપર્કમાં પણ નથી. પરિવારે યુવતીને સુરક્ષિત રીતે પરત લાવી આપવાની માગ કરી છે. સાથે જ સમગ્ર મામલામાં યુવતી સાથે વાસ્તવમાં શું બન્યું અને તેની સ્વેચ્છા શું છે તે અંગે પણ નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે.
પરિવારે વડાપ્રધાનને પત્ર લખી SITની માગ કરી
યુવતીના પિતાએ સમગ્ર પ્રકરણની વિસ્તૃત તપાસ માટે SITની રચના કરવાની માગ સાથે વડાપ્રધાનને પત્ર લખ્યો હોવાની માહિતી સામે આવી છે. પરિવારનું કહેવું છે, કે નકલી લગ્ન પ્રમાણપત્ર તૈયાર કરવામાં જો અન્ય કોઈ વ્યક્તિ કે જૂથની સંડોવણી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ પણ આ કેસમાં તપાસનો વ્યાપ વધારવાની અને આવા પ્રમાણપત્રોની સઘન ચકાસણી કરવાની માગ કરી છે.
હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર નજર
હાલ સમગ્ર કેસમાં સૌથી મહત્વના મુદ્દા તરીકે કથિત નકલી મેરેજ સર્ટિફિકેટ, તેની તૈયારી પાછળની સંડોવણી અને યુવતીની સ્થિતિ સામે આવી રહી છે. યુવતી પુખ્ત વયની હોવાથી તેની સ્વતંત્ર ઇચ્છા અને નિવેદન પણ તપાસમાં મહત્વપૂર્ણ રહેશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ યુવતીના લગ્ન અંગેનો દાવો, પ્રમાણપત્રની બનાવટ પાછળ કોણ હતું અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.








